પણ બન્નેનો ખીચડો કરી સમજવું નહિ.
વળી શાસ્ત્રમાં ‘આત્મા નિત્ય છે’ એમ જે કહ્યું છે તે દ્રવ્યદ્રષ્ટિની અપેક્ષાનું કથન છે અને ‘આત્મા અનિત્ય છે’ એવું જે કથન છે તે પર્યાય-અપેક્ષાએ અવસ્થા- દ્રષ્ટિથી કહ્યું છે. તે બન્ને કથન જે અપેક્ષાપૂર્વક છે તે ન જાણે અને આત્માને સર્વથા નિત્ય કે સર્વથા અનિત્ય માની લે તો તે અજ્ઞાની છે, એકાન્તદ્રષ્ટિ છે. બન્ને પડખાંને જેમ છે તેમ બરાબર સમજી, ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા પર ને વિભાવથી જુદો શુદ્ધ જ્ઞાયક છે એવી જે દ્રષ્ટિ તે પરમાર્થદ્રષ્ટિ — ધ્રૌવ્યદ્રષ્ટિ છે. ક્ષણે ક્ષણે બદલતી જે અવસ્થા તેના ઉપર જે દ્રષ્ટિ તે વ્યવહાર-દ્રષ્ટિ – ભંગદ્રષ્ટિ – ભેદદ્રષ્ટિ છે. ૪૦.
આ સમયસાર શાસ્ત્ર આગમોનું પણ આગમ છે; લાખો શાસ્ત્રોનો નિચોડ એમાં રહેલો છે; જૈન શાસનનો એ સ્તંભ છે; સાધકની એ કામધેનુ છે; કલ્પવૃક્ષ છે; ચૌદ પૂર્વનું રહસ્ય એમાં સમાયેલું છે. એની દરેક ગાથા છઠ્ઠા – સાતમા ગુણસ્થાને ઝૂલતા મહામુનિના આત્મ- અનુભવમાંથી નીકળેલી છે. ૪૧.