ભગવાન આત્મા આનંદસ્વરૂપ અને રાગ આકુળતા- સ્વરૂપ — એમ જ્ઞાનીને બન્ને ભિન્ન ભાસે છે. ત્રિકાળી નિત્યાનંદ ચૈતન્યપ્રભુ ઉપર દ્રષ્ટિ પ્રસરતાં સાથે જે જ્ઞાન થાય તે, ચૈતન્ય અને રાગને અત્યંત ભિન્ન જાણે છે. જેને તત્ત્વની દ્રષ્ટિ થઈ છે તેને સમ્યગ્જ્ઞાન હોય; જેને દ્રષ્ટિ થઈ નથી તેને ચૈતન્ય અને રાગને ભિન્ન જાણવાની તાકાત નથી. ૪૯.
સહજ જ્ઞાન ને આનંદ આદિ અનંત ગુણસમૃદ્ધિથી ભરપૂર જે નિજ જ્ઞાયક તત્ત્વ છે તેને અધૂરા, વિકારી ને પૂરા પર્યાયની અપેક્ષા વગર લક્ષમાં લેવું તે દ્રવ્યદ્રષ્ટિ છે, તે જ યથાર્થ દ્રષ્ટિ છે. શ્રુતજ્ઞાનના બળ વડે પ્રથમ જ્ઞાનસ્વભાવ આત્માનો બરાબર નિર્ણય કરીને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના વ્યાપારને આત્મસન્મુખ કર્યો તે વ્યવહાર છે, — પ્રયત્ન કરવો તે વ્યવહાર છે. ઇન્દ્રિયો ને મન તરફ રોકાતું તથા ઓછા ઉઘાડવાળું જે જ્ઞાન તેના વ્યાપારને સ્વ તરફ વાળવો તે વ્યવહાર છે. સહજ શુદ્ધપારિણામિકભાવ તો પરિપૂર્ણ એકરૂપ છે; પર્યાયમાં અધૂરાશ છે, વિકાર છે, માટે પ્રયાસ કરવાનું રહે છે. પર્યાયદ્રષ્ટિએ સાધ્યસાધકના ભેદ પડે છે. પર્યાયદ્રષ્ટિએ વિકાર ને અધૂરાશ છે; તેને તત્ત્વદ્રષ્ટિના જોરપૂર્વક ટાળીને સાધક જીવ અનુક્રમે પૂર્ણ