નિમિત્તાશ્રિત બુદ્ધિ કરીને અટક્યા છે તે જીવો માત્ર વાતો કરે છે, અંતર્મુખ જ્ઞાયકસ્વભાવનો પુરુષાર્થ કરવાની બુદ્ધિ કરતા નથી. ‘ભગવાને દીઠું હશે તેમ થશે, તેમના જ્ઞાનમાં જેટલા ભવ દીઠા હશે તેટલાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ને ભવભ્રમણ થયા વિના મોક્ષ નહિ થાય, જે વખતે કાળલબ્ધિ પાકશે તે વખતે સમ્યગ્દર્શન થશે’ — એમ ભાવમાં અને કથનમાં નિઃસત્ત્વ બની, નિમિત્તાધીનતા રાખી પુરુષાર્થ ઉડાડે છે. પુરુષાર્થ રહિત થઈ દ્રવ્યાનુયોગની વાતો કરે તો તે નિશ્ચયાભાસી છે. જેને કેવળજ્ઞાનીનો વિશ્વાસ થયો તેને ચારે પડખે સમાન — અવિરોધ પ્રતીતિ જોઈએ, અને તેણે જ ‘કેવળજ્ઞાનીએ દીઠું’ એનો સાચો સ્વીકાર કર્યો છે. જેણે કેવળજ્ઞાનીને માન્યા તેને રાગની રુચિ, કર્તાપણારૂપ અજ્ઞાન હોય નહિ; તેને એવી ઊંધી શ્રદ્ધા પણ ન હોય કે ‘કેવળી ભગવાને મારા ભવ દીઠા છે માટે હવે, હું પુરુષાર્થ ન કરું — નહિ કરી શકું, પુરુષાર્થ એની મેળે જાગશે.’ એમ માને તો તે મિથ્યાદ્રષ્ટિ છે, તેને અંદરમાં કેવળીની શ્રદ્ધા બેઠી જ નથી. શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે ને! — ‘જો ઇચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહિ આત્માર્થ.’ ૫૩.
આત્મદ્રવ્ય સર્વજ્ઞસ્વભાવી છે. સર્વજ્ઞને જેણે પોતાની