બહુ ઝીણી વાત છે, અંતરથી સમજે તો સમજાય તેવી છે. ૮૫.
જ્ઞાનદર્શનસ્વભાવમાત્ર અભેદ નિજ તત્ત્વની દ્રષ્ટિ કરતાં તેમાં નવતત્ત્વરૂપ પરિણમન તો છે નહિ. ચેતના- સ્વભાવમાત્ર જ્ઞાયકવસ્તુમાં ગુણભેદ પણ નથી. તેથી ગુણભેદ કે પર્યાયભેદને અભૂતાર્થ – જૂઠા કહી દીધા. પર્યાય પર્યાય તરીકે સત્ય છે, પણ લક્ષ – આશ્રય કરવા માટે જૂઠી છે. દયા-દાન વગેરે ભાવ તો રાગ છે, તે લક્ષ કરવા લાયક નથી, પણ સંવર-નિર્જરારૂપ વીતરાગ નિર્મળ પર્યાય પણ લક્ષ – આશ્રય કરવા લાયક નથી; આશ્રય કરવા લાયક — આલંબન લેવા લાયક તો એકમાત્ર ત્રિકાળશુદ્ધ જ્ઞાયક ભાવ છે. ૮૬.
લોકો કુળદેવને હાજરાહજૂર રક્ષણ કરનાર માને છે, પણ તું અંદર માલવાળો છો કે નહિ? ત્રિકાળી સ્વાધીન સ્વભાવના લક્ષે અંદર તો જો! ત્રિકાળ સ્વતંત્રપણે ટકનાર ભગવાન જ્ઞાયક આત્મા કે જે જ્ઞાતાસ્વરૂપે સળંગ જાગ્રત છે તે જ હાજરાહજૂર દેવ છે. તેની જ શ્રદ્ધા કર, પરનો આશ્રય છોડ, પરથી જુદાપણું બતાવનાર નિર્મળ જ્ઞાનનો વિવેક કર, સ્વભાવના જોરે એકાગ્રતા કર; શ્રદ્ધા, જ્ઞાન