૫૬
અને સ્થિરતાને એકરૂપ સ્વભાવમાં જોડ. એ જ મોક્ષમાર્ગ છે. ૮૭.
ભાઈ! તું પંચમ કાળે ભરતક્ષેત્રે ને ગરીબ ઘરે જન્મ્યો છો તેથી ‘અમારે આજીવિકા આદિનું શું કરવું’ એમ ન જો! તું અત્યારે અને જ્યારે જો ત્યારે સિદ્ધ સમાન જ છો, જે ક્ષેત્રે ને જે કાળે જ્યારે જો ત્યારે તું સિદ્ધ સમાન જ છો. મુનિરાજને ખબર નહિ હોય કે બધા જીવો સંસારી છે? ભાઈ! સંસારી અને સિદ્ધ એ તો પર્યાયની અપેક્ષાથી છે. સ્વભાવે તો એ સંસારી જીવો પણ સિદ્ધ સમાન શુદ્ધ જ છે. ૮૮.
હું જ્ઞાયક છું....જ્ઞાયક છું....જ્ઞાયક છું — એમ અંદરમાં રટણ રાખ્યા કરવું, જ્ઞાયક સન્મુખ ઢળવું, જ્ઞાયક સન્મુખ એકાગ્રતા કરવી. અહાહા! પર્યાયને જ્ઞાયક સન્મુખ વાળવી બહુ કઠણ છે, અનંતો પુરુષાર્થ માગે છે. જ્ઞાયકતળમાં પર્યાય પહોંચી, અહાહા! એની શી વાત! એવો પૂર્ણાનંદનાથ પ્રભુ એની પ્રતીતિમાં, એના વિશ્વાસમાં – ભરોસામાં આવવો જોઈએ કે અહો! એક સમયની પર્યાય પાછળ આવડો મોટો ભગવાન તે હું જ. ૮૯.