શરીરની એક એક તસુમાં ૯૬ – ૯૬ રોગ છે; એ શરીર ક્ષણમાં દગો દેશે, ક્ષણમાં છૂટી જશે. કાંઈક સગવડતા હોય ત્યાં ઘુસી જાય છે, પણ ભાઈ! તારે ક્યાંક જવું છે ત્યાં કોનો મહેમાન થઈશ? કોણ તારું ઓળખીતું હશે? એનો વિચાર કરીને તારું તો કાંઈક કરી લે! શરીર સારું હોય ત્યાં સુધી આંખ ઊઘડે નહિ ને ક્ષણમાં દેહ છૂટતાં અજાણ્યા સ્થાને હાલ્યો જઈશ! નાની નાની ઉંમરના પણ ચાલ્યા જાય છે, માટે તારું કાંઈક કરી લે! શાસ્ત્રમાં કહ્યું છે કે વૃદ્ધાવસ્થા જ્યાં સુધી ન આવે, શરીરમાં વ્યાધિ જ્યાં સુધી ન આવે અને ઈન્દ્રિયો જ્યાં સુધી ઢીલી ન પડે ત્યાં સુધીમાં આત્મહિત કરી લેજે. ૯૦.
ધર્મ એટલે શું? ધર્મી જીવ કોને કહેવો? લોકો કહે છે કે અમારે ધર્મ કરવો છે. તો ધર્મ ક્યાંથી થાય? ધર્મ શરીર, વાણી, પૈસા વગેરેથી થાય નહિ; કેમ કે તે તો બધાં આત્માથી ભિન્ન અચેતન પરદ્રવ્યો છે, તેમાં આત્માનો ધર્મ રહેલો નથી. વળી મિથ્યાત્વ, હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય વગેરે પાપભાવ કે દયા, દાન, પૂજા, ભક્તિ વગેરે પુણ્યભાવથી પણ ધર્મ થતો નથી; કેમ કે તે બન્ને વિકારી ભાવ છે. આત્માની નિર્વિકારી શુદ્ધ દશા તે જ ધર્મ છે. તેનો કરનાર આત્મા