૫૮
પોતે જ છે. તે ધર્મ વીતરાગ દેવ-શાસ્ત્ર-ગુરુ કે જિનપ્રતિમા વગેરે ક્યાંય બહારથી આવતો નથી પણ નિજ શુદ્ધ જ્ઞાયક આત્માના જ આશ્રયે પ્રગટે છે. આત્મા જ્ઞાન ને આનંદ આદિ નિર્મળ ગુણોની શાશ્વત ખાણ છે; સત્સમાગમે શ્રવણ-મનન દ્વારા તેની યથાર્થ ઓળખાણ કરતાં આત્મામાંથી જે અતીન્દ્રિય આનંદયુક્ત નિર્મળ અંશ પ્રગટે તે ધર્મ છે. અનાદિ-અનંત એકરૂપ ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા તે અંશી છે, ધર્મી છે અને તેના આશ્રયે જે નિર્મળતા પ્રગટે છે તે અંશ છે, ધર્મ છે. સાધક જીવને આશ્રય અંશીનો હોય છે, અંશનો નહિ, અને વેદન અંશનું હોય છે પણ તેનું આલંબન હોતું નથી
— તેના ઉપર વજન હોતું નથી. આલંબન તો સદાય શુદ્ધ અખંડ એક પરમપારિણામિકભાવસ્વરૂપ નિજ આત્મદ્રવ્યનું જ હોય છે. તેના જ આધારે ધર્મ કહો કે શાન્તિ કહો — બધું થાય છે. ૯૧.
જેને ભવનો થાક લાગ્યો હોય, જેને આત્મા કેવો છે તે સમજવાની સાચી જિજ્ઞાસા અંતરમાં જાગી હોય, તેને સાચા ગુરુ મળે જ. ૯૨.