જે જમીનમાં ક્ષાર હોય તેમાં અનાજ વાવે તો ઊગે નહિ. અનાજ ઉગાડવા માટે જેમ ઉત્તમ ભૂમિ જોઈએ, તેમ નિર્મળ તત્ત્વનો સ્પષ્ટ ઉપદેશ જીરવવા માટે ઉત્તમ પાત્રતા જોઈએ. ૯૩.
પ્રત્યેક જીવ પોતાના ભાવને કરે – ભોગવે છે, પરવસ્તુને કરતો – ભોગવતો નથી. મોઢામાં લાડવાનું બટકું પડે, તે વખતે તે જડ-લાડવાને ભોગવતો નથી પણ તેના લક્ષે થનારા રાગને ભોગવે છે. શરીરમાં તીવ્ર રોગ થયો હોય તે વખતે જીવ જડ-રોગને ભોગવતો નથી પણ તેના લક્ષે થનારા દ્વેષને ભોગવે છે. શુદ્ધાત્માના અનુભવમાં ધર્મી જીવ મુખ્યપણે રાગદ્વેષના કર્તા કે ભોક્તા નથી, પણ સ્વભાવદ્રષ્ટિમાં નિર્મળ પર્યાયને કરે છે ને તેના આનંદને ભોગવે છે. ૯૪.
કોઈ આકરી પ્રતિકૂળતા આવી પડે, કોઈ આકરાં કઠોર મર્મચ્છેદક વચન કહે, તો શીઘ્ર દેહમાં સ્થિત પરમાનંદસ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરીને દેહનું લક્ષ છોડી દેવું, સમતાભાવ કરવો. ૯૫.