ભગવાન પાસે એનો ધર્મ હોય! અરે ભાઈ! જો બહારમાં ભગવાનનાં દર્શનથી જ તારો ધર્મ હોય તો તે ભગવાનનાં દર્શન કરે એટલો વખત ધર્મ રહે ને ત્યાંથી ખસી જતાં તારો ધર્મ પણ ખસી જાય, એટલે કે મંદિર સિવાય ઘરમાં તો કોઈને ધર્મ થાય જ નહિ! જેવા ભગવાન વીતરાગ છે તેવો જ સ્વભાવે હું ભગવાન છું – એમ ભાન કરીને અંતરમાં ચૈતન્યમૂર્તિ નિજ ભગવાનનું સમ્યગ્દર્શન કરે તો તે પોતાના ભગવાનનાં દર્શનથી ધર્મ થાય છે, ને એ ભગવાન તો પોતે જ્યાં જ્યાં જાય ત્યાં સાથે જ છે એટલે તે ધર્મ પણ સદાય રહ્યા જ કરે છે. જો એક વાર પણ એવાં ભગવાનનાં દર્શન કરે તો જન્મ-મરણ ટળી જાય. ૧૦૧.
સમ્યગ્દર્શન કોઈના કહેવાથી કે આપવાથી મળતું નથી. આત્મા પોતે અનંત ગુણોનો પિંડ — સર્વજ્ઞ ભગવાને જેવો કહ્યો તેવો — છે તેને સર્વજ્ઞના ન્યાય અનુસાર સત્સમાગમ વડે બરાબર ઓળખે અને અંદર અખંડ ધ્રુવ જ્ઞાયકસ્વભાવનો અભેદ નિશ્ચય કરે તે જ સમ્યગ્દર્શન — આત્મસાક્ષાત્કાર છે. તેમાં કોઈ પરવસ્તુની જરૂર પડતી નથી. આટલાં પુણ્ય કરું, શુભરાગ કરું, તેનાથી ધીમે ધીમે સમ્યગ્દર્શન થશે — એ વાત ખોટી છે.