૩૯. આજે ગુરુજી મારા પોન્નૂર પધાાર્યા રે
(રાગઃ સ્વર્ણપુરે ભાવી ભગવંત પધાર્યા રે)
આજે ગુરુજી મારા પોન્નૂર પધાર્યા રે,
ગુરુ-ઉર વસિયા પોન્નૂર-ૠષિરાયા રે.
કુંદકુંદદેવા! તારી શી શી કરું સેવા,
મહાભાગ્યે મળિયા મુનિવરદેવા;
ધન્ય ધન્ય મહામુનિ મંગળકારા રે,
પંચમ કાળે આદર્શ મુનિરાયા રે.....આજે૦ ૧.
શાસનશિરોમણિ કુંદકુંદસ્વામી,
રત્નત્રયધારી ચૈતન્ય-આરાધી;
જિનશાસનસ્તંભ! તારી બલિહારી રે,
અનુપમ જ્ઞાનધારી આત્મવિહારી રે.....આજે૦ ૨.
પોન્નૂર પર તુજ પદચિહ્ન સોહે,
દર્શન કરી યાત્રી પાવન થાયે;
અધ્યાતમ-અધિપતિ કુંદકુંદદેવા રે,
અધ્યાત્મ-ધોધ તેં વિશ્વે વહાવ્યા રે.....આજે૦ ૩.
પોન્નૂરગિરિ! પૂછું, ઉત્તર તું દેજે,
અમ સંવેદન હૈયે તું ધરજે;
કુંદપ્રભુની મીઠી વાર્તા સુણાવો રે,
કુંદપ્રભુના મીઠા સંદેશા આપો રે.....આજે૦ ૪.
કેવા હતા મારા કુંદકુંદસ્વામી?
વસતા’તા ક્યાં અહો આતમ-આરામી?
કોણ ભૂમિમાં વન-શિખરે બિરાજ્યા રે,
કોણ ભૂમિમાં ઊંડા આત્મધ્યાન સાધ્યાં રે.....આજે૦ ૫.
[ ૪૮ ]