૪૬. શ્રી સરસ્વતી – સ્તવન
સુણો સીમંધરજિનની વાણ, એ ભવોદધિ-તારણહાર,
સુણો કુંદકુંદદેવની વાણ, એ આતમ-તારણહાર,
સુણો કહાનગુરુની વાણ, ચૈતન્ય ઝળકાવણહાર. ૧.
જ્ઞાન વિકસાવનારી વાણી અહો, જડ-ચૈતન્ય ભેદાવનાર વાણી અહો!
તારાં ભાવે પૂજન કરું આજ, જય જિનવાણી અહો!
તારાં ભાવે પૂજન કરું આજ, જય ગુરુવાણી અહો! ૨.
ત્રણ લોકમાં ઉદ્યોત કરનારી અહો, મહા મંગળ મહોત્સવ દેનારી અહો!
તારાં લાલન-પાલન કરું આજ, જય જિન (ગુરુ) વાણી અહો! ૩.
જ્યાં રત્નત્રય-તોરણ ઝૂલે અહો, એવા મુક્તિમંડપ રચનારી અહો!
અનંત આનંદરસ દેનાર, જય જિન (ગુરુ) વાણી અહો! ૪.
ગુરુજ્ઞાનગુંજારવ કાને આવે, આ ચૈતન્યમાં રણકાર જાગી ઊઠે;
મારું હૈયું આનંદે ઊભરાય, જય ગુરુવાણી અહો! ૫.
ગુરુ પર્યાયે પર્યાયે જ્ઞાનદીવડા જાગ્યા, જાણે ગગનેથી ભાનુ આવી મળ્યા;
એવા તેજ-અંબાર છલકાય, જય ગુરુવાણી અહો!
શ્રુતસાગર ઊછળ્યા મહાન, જય ગુરવાણી અહો! ૬.
ધન્ય ધન્ય સીમંધરનંદન અહો, ધન્ય ધન્ય કુંદકેડાયત અહો!
તારાં ચરણોમાં રહીએ સદાય, જય ગુરુવાણી અહો!
સુણો સીમંધરજિનની વાણ, એ ભવોદધિ-તારણહાર. ૭
✽
[ ૬૧ ]