૫૦. ધાન્ય ધાન્ય શ્રી ઉમરાળા ગામ.....
ધન્ય ધન્ય શ્રી ઉમરાળા ગામ, પ્રગટ્યા ધર્મધુરંધર કહાન;
તારાં શાં શાં કરું સન્માન, જગમાં સત્ય પ્રકાશનહાર.
ઓગણીસ છેંતાલીસ વર્ષે, વૈશાખ બીજ રવિવારે;
ઝળહળ જગમાં ભાનુપ્રકાશ, જન્મ્યા કહાનકુંવર ગુરુરાજ.
માતા ઉજમબા કૂખ નંદ, જન્મ્યા ભારતના આ ચંદ. ધન્ય૦ ૧.
પ્રભુ નિર્મળ બાળ લીલાએ, તું વધિયો વિવેકભાવે;
રહેતો અંતરથી ઉદાસ, અદ્ભુત એવી તારી વાત. ધન્ય૦ ૨.
કુંદામૃત પાન પીધાં, નિજ આતમકાજ કીધાં;
જિનની સાચી રાખી ટેક, જાગ્યો સત્ય સુકાની એક.
તારી મહિમા અપરંપાર, તારાં શાં કરીએ સન્માન. ધન્ય૦ ૩.
પ્રભુ જ્ઞાન ખજાના ખીલ્યા, તુજ આતમ માંહી પ્રકાશ્યા;
દીપે બાહ્યાંતર ગુરુરાજ, જગમાં સત્ય પ્રકાશનહાર.
શોભે જન્મભૂમિનાં સ્થાન, જન્મ્યા લાડીલા ગુરુકહાન;
ધન્ય ધન્ય માત-પિતા કુળ જાત, જન્મ્યા જગના તારણહાર.
મારા આતમના આધાર, જન્મ્યા જગના તારણહાર. ધન્ય૦ ૪.
સીમંધર-સુત જન્મ્યા, ગગને વાજિંત્રો વાગ્યાં;
ઇન્દ્રો આનંદ-મંગલ ગાય, જન્મ્યા કહાનકુંવર ગુરુરાજ.
માતા ઉજમબાના લાલ, જયજયકાર જગતમાં આજ. ધન્ય૦ ૫.
જગમાં બહુ હતાં અંધારાં, સૂઝે નહિ માર્ગ લગારા;
સાથી સાચો જાગ્યો કહાન, જગમાં સત્ય પ્રકાશનહાર. ધન્ય૦ ૬.
પ્રભુ મંગલમૂર્તિ તમારી, તુજ દર્શને હર્ષ અપારી;
વંદન હોજો અગણિત વાર, જગમાં સત્ય પ્રકાશનહાર. ધન્ય૦ ૭.
✽
[ ૬૬ ]