૬૯. સ્વર્ણમયી વધામણાં
(રાગ – આવો આવો સીમંધર જિનરાજજી રે)
સ્વર્ણપુરીમાં સ્વર્ણમયી વધામણાં રે, (૨)
સીમંધર ભગવંત (આજ) પધાર્યા મંદિરે.
આવો પધારો વિદેહી જિનરાજજી રે,
— સીમંધર જિનરાજજી રે,
મણિરત્ને વધાવું ત્રિભુવનનાથને....સ્વર્ણ૦ ૧.
વિદેહક્ષેત્રે સીમંધરનાથ બિરાજતા રે, (૨)
આજ પધાર્યા સ્વર્ણપુરીના મંદિરે;
આજ પધાર્યા ભરતભૂમિના આંગણે;
દેવ-દેવેન્દ્રો આવે જિનવર પૂજવા રે, (૨)
વિધવિધ રત્ને વધાવે જિનવરદેવને....સ્વર્ણ૦ ૨.
પંચકલ્યાણક સ્વર્ણપુરીમાં શોભતાં રે, (૨)
દૈવી દ્રશ્યો નજરે નિહાળ્યાં નાથનાં;
પુનિત પ્રસંગો મહિમાવંત ભગવંતનાં;
આકાશે બહુ દેવદુંદુભિ વાગતાં રે, (૨)
ગંધર્વોનાં ગીત મધુરાં ગાજતાં;
કુમકુમ-કેશર સ્વર્ણપુરે વરસી રહ્યાં રે, (૨)
આકાશે બહુ રંગ અનેરા શોભતા....સ્વર્ણ૦ ૩.
શ્રેયાંસરાયા-સત્યમાતાના નંદ છો રે, (૨)
પુંડરપુરમાં જન્મ પ્રભુના શોભતા;
સમવસરણમાં વિદેહીનાથ બિરાજતા રે, (૨)
દિવ્યધ્વનિના અમૃતરસ વરસી રહ્યા....સ્વર્ણ૦ ૪.
[ ૯૧ ]