પરમાત્મા] [૧૦૧
[પ્રવચન નં. ૧૮]
[વિષયોમાં રમતાં મનને નિજ પરમાત્મામાં રમાડ]
[શ્રી યોગસાર ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, તા. ર૬-૬-૬૬]
શ્રી યોગીન્દ્રદેવે ૪૯ મી ગાથામાં કહ્યું કે આયુષ્ય ઘટતું જાય છે ને તૃષ્ણા વધતી
જાય છે. કેમ કે એને આત્માના સ્વભાવનો પે્રમ નથી. એક કોર રામ ને એક કોર
ગામ. એમ એક કોર સત્ ચિદાનંદ અનાકુળ આનંદકંદ પદાર્થ છે અને એક કોર પુણ્ય-
પાપના વિકાર, શરીર, કર્મ આદિ પરપદાર્થ છે. બેમાંથી જેને બાહ્યસામગ્રી પ્રત્યે પે્રમ
વધી જાય છે તેને તૃષ્ણા વધતી જાય છે અને આતમરામ પ્રત્યે જેને પે્રમ વધી જાય છે
તેને તૃષ્ણા ઘટતી જાય છે.
જેમ ઝાંઝવામાં પાણી નથી પણ સરોવરમાં પાણી છે. તેમ જગતના કોઈ
પદાર્થમાં સુખ નથી પણ આત્મામાં સુખ છે પણ અનાદિથી પરમાં પ્રેમ કરીને દુઃખી
થયો છે. ભગવાન આત્માને છોડીને પર પદાર્થમાં પ્રેમ એ તુષ્ણાવર્ધક જ છે. એમ ૪૯
મી ગાથામાં કહ્યું. હવે પ૦મી ગાથામાં કહે છે કે હે યોગી! ખરેખર આત્મા જ પ્રેમને
પાત્ર છે. આત્મામાં રમણ કરનાર નિર્વાણને પામે છેઃ-
जेहउ मणु विसयहं रमइ तिमु जइ अप्प मुणेइ ।
जोइउ भणइ हो जोइयहु लहु णिव्वाणु लहेइ ।। ५०।।
જેમ રમતું મન વિષયમાં, તેમ જો આત્મે લીન,
શીઘ્ર લહે નિર્વાણપદ, ધરે ન દેહ નવીન. પ૦.
કહે છે કે હે જીવ! તારું મન જેમ પાંચ ઇન્દ્રિયના વિષયોમાં રમે છે, એની જ
રુચિ, રતિ અને પ્રેમ કરે છે, પુણ્ય-પાપના ફળમાં જેવો પ્રેમ કરે છે તેવો પ્રેમ જો
આત્મામાં કર તો શીઘ્ર મુક્તિ થાય.
‘વિષયમાં મન રમે છે’ એમ કહ્યું, એમાં વિષય શબ્દે એકલાં ભોગાદિ એમ
નહિ. આત્મા સિવાય બધાં સ્પર્શ-રસ-ગંધાદિનો એમાં સમાવેશ થઈ જાય છે. શાસ્ત્ર
સાંભળવાનો પ્રેમ પણ રાગ છે.
દેહ, સ્ત્રી, કુટુંબ કે દેવ-શાસ્ત્ર-ગુરુ કોઈ પણ પરપદાર્થ પ્રત્યે તારો પે્રમ છે, તે
પ્રેમ કર્મ તને કરાવતું નથી. તારા ઉલટાં પુરુષાર્થથી તું પોતે જ એ પ્રેમ કરે છે. માટે
હવે સવળા પુરુષાર્થથી, તું પોતે જ ગુલાંટ ખાઈને તારા આત્માનો પ્રેમ કર! તો શીઘ્ર
મુક્તિ પામીશ.
તુલસીદાસ પણ કહે છે કે “જૈસી પ્રીતિ હરામસે, તૈસી હરિસે હોય, ચલા જાય
વૈકુંઠમેં પલા ન પકડે કોય.”