Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 102 of 238
PDF/HTML Page 113 of 249

 

background image
૧૦ર] [હું
ભાઈ! તારા શાંતરસમાં તને પે્રમ નથી. શ્રી સમયસારની ર૦૬ ગાથામાં આવે
છે ને કે હે આત્મા! આત્મામાં રતિ કર! તારો પ્રેમ અત્યારે પરે લૂંટી લીધો છે. આખી
જિંદગી આત્માને ખોઈને પણ પરનો પ્રેમ છોડતો નથી. મૂઢ બહારની પ્રીતિમાં ભગવાન
આત્માની પ્રીતિ ખોઈ બેઠો છે, ભલે ત્યાગી હોય પણ જ્યાં સુધી એને બહારમાં દયા-
દાનાદિમાં પ્રેમ છે ત્યાં સુધી એ જોગી નથી પણ ભોગી છે.
ભગવાન આત્મા જ્ઞાનની નૂરનો પૂર પ્રભુ! એક ક્ષણ તેનો પે્રમ કર તો તારા
સંસારનો-જન્મ-મરણનો નાશ થાય. એમ તત્ત્વને જોતાં પર્યાયમાં અન્ય વિવિધ તત્ત્વો
જણાશે પણ રાગ વગર જણાશે. આખી દુનિયા દેખાશે પણ એમાં તને પ્રેમ નહિ થાય,
આત્મસ્વભાવના પ્રેમમાં પછી આ સાધન મને અનુકૂળ અને આ પ્રતિકૂળ એવું રહેતું નથી.
યોગી એટલે જેનું વલણ બાહ્યથી છૂટયું છે અને આત્મા તરફ જેનું વલણ-દિશા
થઈ છે એવા ધર્મી-સમ્યગ્દ્રષ્ટિથી માંડીને સર્વ સંતો જીવોને કહે છે કે અરે જીવ! મનને
ગાઢ પ્રેમભાવથી પોતાના આત્મામાં રમતું કરવું જોઈએ. એમ થાય તો વીતરાગતાના
પ્રકાશથી શીઘ્ર નિર્વાણ લાભ થાય.
હરણની ડુટીમાં કસ્તૂરી ભરી છે પણ એને કસ્તૂરીની ખબર નથી, બહાર ફાંફા
મારે છે. તેમ આ આત્મા અતીન્દ્રિય આનંદનું સરોવર-મોટો દરિયો છે પણ પોતાને તેનું
ભાન નથી તેથી બહાર આનંદ લેવા જાય છે. તેથી કહે છે કે એકવાર ગુલાંટ ખા!
પરનો પ્રેમ છોડી સ્વનો પ્રેમ કર.
પાંચ ઇન્દ્રિયના વિષયના દાખલા આપ્યા છે કે-હાથી સ્પર્શેન્દ્રિયમાં લીન છે,
માછલાં રસેન્દ્રિયમાં લીન છે, ભમરાં કમળની સુગંધમાં મુગ્ધ છે, પતંગિયા દીવાની
જ્યોતના પ્રેમમાં ભસ્મ થઈ જાય છે તોપણ એને ખબર રહેતી નથી. કર્ણેન્દ્રિયના
વિષયભૂત-સાંભળવાના શોખીન હરણીયા જંગલમાં શિકારમાં પકડાઈ જાય છે. દાખલાં
આપીને એમ કહ્યું કે એક એક ઇન્દ્રિયમાં જેમ એ જીવો લીન છે તેમ તું આત્મામાં
લીન થા. એકમાત્ર આત્માની લગની લગાવ! તો સમકિત થાય ને ભવભ્રમણ ટળે.
વળી કહે છે કે આત્માના રસમાં એવું રસિક થઈ જવું જોઈએ કે માન-અપમાન,
જીવન-મરણ, કંચન-કાચ બધામાં સમભાવ થઈ જાય. જેમ ધતૂરા પીવાવાળાને બધી
ચીજ પીળી દેખાય છે તેમ ધર્મીને એક નિત્યાનંદ ભગવાન આત્મા દ્રષ્ટિમાં આવતાં
તેના સિવાય બધી વસ્તુ ક્ષણિક-નાશવાન જ દેખાય છે. હું અવિનાશી છું અને બાકી
બધું વિનાશિક છે એમ જ્ઞાનીને દેખાય છે.
વળી જ્ઞાની જેને પુણ્ય-પાપના બંધન રહિત પોતાના આત્મામાં યોગ અર્થાત્
જોડાણ થયું છે તેને બીજા આત્માઓ પણ પુણ્ય-પાપના બંધન રહિત નિર્મળ જ દેખાય
છે. તે બીજા આત્માને પણ બંધનવાળા દેખતો નથી. પોતાના આત્માને જેમ નિર્વિકારી
દેખે છે તેમ અન્યના આત્માને પણ ધર્મી નિર્વિકારી દેખે છે. તેના પુણ્ય-પાપને વિકારી
ભાવરૂપ દેખે છે, દેહને જડ પુદ્ગલ જાણે છે અને બધાનાં આત્માને આનંદમય દેખે છે.
ત્રણલોકની સંપદા પણ તેને ઝીર્ણ તૃણ સમાન દેખાય છે.