Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 118 of 238
PDF/HTML Page 129 of 249

 

background image
૧૧૮] [હું
હવે ૬૧ મી ગાથામાં કહે છે કે નિર્મોહી થઈને શરીરને પોતાનું ન માનો.
असरीरु वि सुसरीरु मुणि इहु सरीरु जडु जाणि ।
मिच्छा–मोहु परिच्चयहि मुत्ति णिय वि ण माणि
।। ६१।।
તનવિરહિત ચૈતન્યતન, પુદ્ગલતન જડ જાણ,
મિથ્યા મોહ દૂરે કરી, તન પણ મારું ન માન ૬૧.
આત્મા જડ શરીરથી રહિત છે પણ ઉત્તમ જ્ઞાનરૂપી સુશરીર-સુંદર શરીરથી
સહિત છે. આત્માનો પરમભાવ તે તેનું શરીર છે. બહારનું શરીર તો જડ છે. હે જીવ!
તું તેમાં મોહ ન કર. નિર્મોહી બન.
આત્મજ્ઞાનના સાધકને ઉચિત છે કે તે પોતાને જડશરીર રહિત જ્ઞાનશરીરી
સમજે અને પુદ્ગલ પરમાણુથી રચિત આ જડ મૂર્તિક શરીરને પીંજરું અથવા કારાગૃહ
સમજે. પોતાનું બધું શ્રેય-હિતની દરેક ક્રિયા આત્મા સાથે જોડે અને પરથી પ્રેમ ઉઠાવી
લે. કારણ કે જ્યાં સુધી હું આત્મા અતીન્દ્રિય આનંદ અને સુખથી ભરેલો છું એવી
શ્રદ્ધા, જ્ઞાન અને રુચિ થતાં નથી ત્યાં સુધી શરીર અને શરીરના સાધનને જ હિતકારી
માની આવકારે છે, ઈચ્છે છે અને તેમાં જ પ્રેમ કરે છે. શરીર નીરોગ રહે, શરીરને
બધી જાતની અનુકૂળતા રહે તો ઠીક એવી બુદ્ધિ મિથ્યાદ્રષ્ટિની હોય છે, માટે હે સાધક!
તું આવી મિથ્યાદ્રષ્ટિથી દૂર રહેજે. તારા આત્માની નીરોગતા અને અનુકૂળતાથી તું સુખી
છો. આવી શ્રદ્ધા થયાં પછી પરમાં મારાપણાની-સારાપણાની માન્યતા છૂટી જાય છે.
અજ્ઞાનીને અંતરમાં આનંદનો અનુભવ નથી તેથી તે બહારના આનંદમાં ટેકો આપ્યા
વગર રહેતો જ નથી. ‘શરીરે સુખી તો સુખી સર્વ વાતે’ આમ માનીને અનિત્ય શરીર
આદિમાંથી અજ્ઞાની જીવ સુખ લેવા ચાહે છે.
ભગવાન આત્મા ચૈતન્યશરીરી છે, તેમાં સુખ અને આનંદ ન માનતાં બહારથી
સુખની ઈચ્છા રાખવી તે મૂઢતા છે, મોહ છે. અજ્ઞાની મોહી જીવ દયા-દાન-વ્રત-ભક્તિ
કરીને પણ વાંછા તો આ ભવ કે પરભવમાં ભોગો ભોગવવાની જ રાખે છે.
સંસારી આત્માની મન-વચન-કાયાની બધી ક્રિયાઓ મોહ ઉપર જ નિર્ભર છે.
આવા મિથ્યામોહને નાશ કરીને જે સમ્યગ્દર્શન પ્રગટ કરે છે તે સાધક જીવ નિશ્ચિંત
થઈને જ્યારે કરવા માગે ત્યારે આત્માનો અનુભવ કરી શકે છે. તેને પોતાપણું-
મારાપણું એક આત્મામાં જ છે, મોહ ક્યાંય નથી. ચારિત્રમોહના ઉદયવશ રાગ આવે
તો રોગી જેમ કડવી ઔષધિનું પાન કરે તેમ સમ્યગ્દ્રષ્ટિ-જ્ઞાની વિષય ભોગ ભોગવે છે.
લાચાર થઈને રોગીને કડવી દવા પીવી પડે તેમ જ્ઞાનીને વિકલ્પવશ-લાચારીવશ ભોગ
ભોગવવા પડે છે, પણ ભાવના તો તેનાથી કેમ જલ્દી છૂટાય એવી જ રહે છે. દ્રષ્ટિમાં
ગ્રહણ યોગ્ય તો પોતાનું નિજસ્વરૂપ જ લાગે છે પણ રાગવશ ભોગનું ગ્રહણ કરે છે.
મિથ્યાદ્રષ્ટિને વારંવાર રાગ અને પર જ દ્રષ્ટિમાં આવ્યા કરે છે. જ્યારે સમ્યગ્દ્રષ્ટિને
વારંવાર પોતાનું નિજસ્વરૂપ જ દ્રષ્ટિમાં આવ્યા કરે છે.