પરમાત્મા] [૧૨પ
પ્રચારથી કાંઈ પોતાના આત્માને લાભ થતો નથી. સંસારની સર્વ પ્રપંચજાળથી વિરક્ત
થઈને, સાત તત્ત્વ, નવ પદાર્થ આદિના વિકલ્પોને પણ ત્યાગીને ધર્મી જીવ એક શુદ્ધ
નિજાત્માને ધ્યાવે છે અને પરમાનંદના અમૃતનું પાન કરે છે. અંતર સુધારસને પીએ છે.
યોગીન્દ્રદેવ કહે છે કે આવા ધર્મી તે ધન્ય છે, પ્રસંશનીય છે, તે જ મહા વિવેકી અને
પંડિત છે. પરમ ઐશ્વર્યવાન પણ એ જ છે.
એક તરફ ખૂણે બેઠો જ્ઞાની શાંતિ...શાંતિથી પોતાની શાંતિનું વેદન કરે છે તે જ
ધન્ય છે, પ્રસંશનીય છે, વિવેકી છે, પંડિત છે અને ઐશ્વર્યવાન છે. ધનવાન તે
ઐશ્વર્યવાન નથી પણ આત્મસંપદાને લૂંટનારા ધર્મી તે ઐશ્વર્યવાન છે. ધર્મી જીવ
નિજશુદ્ધાત્માની પ્રતીત-જ્ઞાન-રમણતારૂપ રત્નત્રયનો ધણી છે. રત્નત્રયનો ધણી તે જ
ધનવાન છે. પૈસાવાળો ધનવાન નથી.
શ્રોતાઃ- તો પછી પૈસાવાળાએ શું કરવું?
પૂજ્ય ગુરુદેવઃ- પૈસાવાળાએ પૈસાનો મોહ છોડી, આત્માની રુચિ કરી રત્નત્રય
પ્રગટ કરવા.
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ત્રણ રત્નોને ધારણ કરનારો જ ભાગ્યવાન છે અને
તે જ ભગવાન છે. અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો સ્વામી થઈને તે અલ્પકાળમાં મોક્ષ
પામશે-શીઘ્ર મોક્ષગામી થશે.
અહીં આત્માનુશાસનનું દ્રષ્ટાંત આપે છે કે અતીન્દ્રિય આનંદના સ્વસંવેદનમાં
મસ્ત બનેલાં દિગંબર સંતના શરીરે લાગેલી રજ-મેલ એ જેમનું ઘરેણું છે, પાષાણની
શિલા એ જેમનું બેસવાનું સ્થાન છે, કાંકરીવાળી ભૂમિ એ જેમની શૈયા છે, સિંહ-
વાઘની ગુફાઓ જેનું સુંદર ઘર છે, અનુભૂતિ જેની ગિરિગુફા છે અને જેમણે અજ્ઞાનની
સર્વ ગાંઠોને તોડી પાડી છે અને જ્ઞાન-આનંદના ખજાના ખોલ્યાં છે એવા જગતથી
ઉદાસ અને મુક્તિના પ્રેમી, સમ્યગ્જ્ઞાનધની યોગીગણ અમારા મનને પવિત્ર કરો.
હવે ગૃહસ્થ હો કે મુનિ હો બન્ને માટે આત્મરમણતા જ સિદ્ધિ-સુખનો ઉપાય છે
એમ કહે છે.
सागारु वि णागारु कु वि जो अप्पाणि वसेइ ।
सो लहु पावइ सिद्धि–सुहु जिणवरु एम भणेइ ।। ६५।।
મુનિજન કે કોઈ ગૃહી, જે રહે આતમલીન,
શીઘ્ર સિદ્ધિ સુખ તે લહે, એમ કહે પ્રભુ જિન. ૬પ.
અત્યારે લોકોમાં કોઈ કહે છે કે ગૃહસ્થાશ્રમમાં આત્મરમણતા ન હોઈ શકે,
આત્મરમણતા તો આઠમાં ગુણસ્થાને જ હોય. તેની સામે આ ગાથા છે. જિનવર
પરમાત્મા તીર્થંકરદેવ સો ઇન્દ્રોની હાજરીમાં સભામાં એમ ફરમાવે છે કે જ્ઞાન-દર્શન
સહિત જીવ ગૃહસ્થાશ્રમમાં રહીને પણ આત્મામાં વસી શકે છે. વીતરાગના બિંબ એવા
જિનવરદેવની ઈચ્છા વિના વાણી ખરે છે.