૧૨૬] [હું
એમાં પણ આમ આવ્યું છે એમ જિનવરદેવની સાક્ષી આપીને યોગીન્દ્રદેવ કહે છે કે
ગૃહસ્થ હોય કે મુનિ બન્ને માટે આત્મરમણતા જ સિદ્ધિસુખનો ઉપાય છે. ચોથા-પાંચમાં
ગુણસ્થાનમાં ગૃહસ્થ પણ નિજ આત્મામાં વસે છે વસી શકે છે. ગૃહસ્થાશ્રમમાં રાગ
હોય પણ એનાથી નિવૃત્તિ થઈને સ્વરૂપમાં ધર્મી જીવ વસે છે, વસી શકે છે. મુનિ
ઉગ્રપણે આત્મામાં વસે છે.
એક ન્યાય તો એમ કહે છે કે સમકિતીને ત્રણ કષાય છે, શ્રાવકને બે કષાય છે
અને મુનિને એક કષાય છે પણ નિશ્ચયથી તો એ ત્રણેય આત્મામાં જ વસેલાં છે,
કષાયમાં-રાગમાં વસતાં જ નથી. કેમ કે દરેકની દ્રષ્ટિ એક આત્મા ઉપર છે, રાગાદિ છે
તે તો જાણવા માટે છે. નિશ્ચયથી તો ધર્મી પોતાના આત્મામાં જ વસે છે.
સમકિતી ગૃહસ્થમાં રહેવા છતાં વિકલ્પોને છોડીને નિર્વિકલ્પસ્વભાવમાં વસે છે.
સમકિતી કરતાં મુનિનો પુરુષાર્થ વિશેષ હોવાથી મુનિ ઉગ્રપણે સ્વભાવમાં સ્થિર થાય
છે. “આત્મા એટલે શુદ્ધભાવનો ભંડાર.” રાગને તોડીને આવા નિજાત્માનો ભંડાર જે
ખોલે છે તે તેમાં જ વસે છે. રાગાદિ હોય છતાં તેમાં તેનું વસવું નથી. જેમાં પ્રીતિ છે
તેમાં જ તે વસ્યો છે. પુણ્ય-પાપ ભાવમાં ધર્મીને પ્રીતિ નથી તેથી તે એમાં વસ્યો છે
એમ કહેવાય જ નહિ. ધર્મીને એક આત્માની જ પ્રીતિ હોવાથી તેને માટે આત્મા જ
વસવાનો વાસ છે.
આ ગાથામાં ત્રણ વાત સિદ્ધ થઈ. એક તો જેણે અંતર્મુખ દ્રષ્ટિ કરી શ્રદ્ધા જ્ઞાન
અને લીનતા પ્રગટ કરી તે આત્મામાં જ વસે છે. બીજું એમ કે ગૃહસ્થાશ્રમમાં આત્મામાં
વસવું ન હોય-એ વાતનો નિષેધ થયો અને ત્રીજું કે ધર્મીને વ્યવહાર હોય છે પણ એનું
ધણીપણું નથી, તેમાં ધર્મીનો વાસ નથી.
ચોથા ગુણસ્થાનવાળો સમકિતી હો કે મુનિ હો બન્નેની સ્થિરતાના અંશમાં ફેર
છે પણ બન્નેનું વસવું તો એક આત્મામાં જ છે, તેમાં ફેર નથી. વ્યવહારના રાગથી
બન્ને મુક્ત જ છે, તેમાં તેનો વસવાટ જ નથી. ગીત ગાય છે ને કે ‘પરણી મારા
પીયુજીની સાથ, બીજાના મીંઢોળ નહિ રે બાંધુ.’ તેમ સમકિતી કહે છે કે
“ લગની લાગી મારા ચૈતન્યની સાથ, બીજાના ભાવ નહિ રે આદરું.” “ધર્મ જિનેશ્વર
ગાઉં રંગશું. ભંગ ન પડશો રે પ્રીત જિનેશ્વર, બીજો મન-મંદિર આણું નહિ.” અખંડ
આનંદ મારો પ્રભુ તેના હું ગુણગાન ગાઉં છું. પુણ્ય-પાપના ગુણગાન હું નહિ ગાઉં.
મારા મનના મંદિરમાં વિકલ્પને સ્થાન ન આપું એ અમ કુળવટ રીતે જિનેશ્વર! એ
અમારા અનંતા સિદ્ધોના વટ છે.
જ્યાં જેની રુચિ ત્યાં તેનો વસવાટ, જ્યાંથી રુચિ ઊઠી, ત્યાં તેનો વસવાટ નહિ.
જેણે આત્માની રુચિ કરીને આત્મામાં વસવાટ કર્યો તે ભલે ગૃહસ્થ હો કે મુનિ હો
બન્ને અલ્પકાળમાં સિદ્ધિસુખને પામશે. જ્યાં જેની પ્રીતિ લાગી છે ત્યાં જ એ ઠર્યા છે.
બીજે ઠરવું એને ગોઠતું નથી. જેને પ્રભુતાના ભણકારા વાગ્યા તેનો વસવાટ આત્મા
સિવાય બીજે ક્યાંય ન હોઈ શકે. વનવાસી દિગંબર સંત મહા લક્ષ્મીના સ્વામી
યોગીન્દ્રદેવ ભગવાનની વાણીનો આધાર લઈને આમ ફરમાવે છે.