Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 127 of 238
PDF/HTML Page 138 of 249

 

background image
પરમાત્મા] [૧૨૭
ધર્મીને આત્માના રસ આડે બીજે ક્યાંય રસ લાગતો નથી, સૂજ પડતી નથી.
જેણે આત્માની શ્રદ્ધા-જ્ઞાન રમણતા કરી તે ગૃહસ્થ હો કે મુનિ બન્ને આત્મામાં જ વસે
છે. આ વાતની ના ન પાડ ભાઈ! ના ન પાડ! જિનદેવનું આ ફરમાન છે, તેની તું ના
પાડીશ તો તું જિનવરદેવનો વેરી થઈશ. જિનવરનો વેરી તે આત્માનો વેરી. મિથ્યાદ્રષ્ટિ
સમકિતી થયો એટલે બહિરાત્મામાંથી અંતરાત્મા થયો. હવે અંતરાત્મા થયો તો એની
દ્રષ્ટિમાં-એના વસવાટમાં કાંઈ ફેર પડે કે નહિ? રાગમાં વસવાટ તો બહિરાત્માનો છે,
તો અંતરાત્માનો વસવાટ રાગમાં ન હોઈ શકે, તેનો વસવાટ આત્મામાં છે. આમ કાંઈક
વિચાર ભાઈ! સીધી ના ન પાડી દે.
જે કોઈએ આત્માની શ્રદ્ધા જ્ઞાન-રમણતા પ્રગટ કરી છે તે ગૃહસ્થ કે મુનિ દરેક
અલ્પકાળમાં આત્માની પૂર્ણ લક્ષ્મી-સિદ્ધિસૌખ્યને પામવાના...પામવાના અને પામવાના જ.
અહા! જંગલમાં રહેનારા વીતરાગી સંતો તો જુઓ! જંગલમાં સિંહ ત્રાડ પાડે
એમ મુનિરાજ ત્રાડ પાડીને સત્ની જાહેરાત કરે છે. સિદ્ધ ભગવાન જેઓ શુદ્ધાત્માનો
અનુભવ કરી રહ્યા છે તેવો જ અનુભવ સમ્યગ્દ્રષ્ટિને થાય છે. અતીન્દ્રિય આનંદની
જાતમાં ફેર નથી. સિદ્ધ અને સાધક બંને એક જ જાતના અતીન્દ્રિય આનંદ અનુભવી
રહ્યાં છે. જે સાધન વડે અતીન્દ્રિય આનંદ પ્રાપ્ત થાય છે તે જ સાધન સિદ્ધિસુખનો
ઉપાય છે એટલે કે દર્શન-જ્ઞાન અથવા તો અતીન્દ્રિય આનંદ પોતે જ પૂર્ણ આનંદનું
સાધન છે.
માટે અતીન્દ્રિય આનંદ જ પૂર્ણાનંદ સિદ્ધિસુખનો સાધક છે, એ સિવાય અન્ય
કોઈ વ્યવહાર આદિ સાધક નથી. સ્વાનુભવ જ નિશ્ચય મોક્ષમાર્ગસ્વરૂપ રત્નત્રય છે,
કેમ કે સ્વાનુભવમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણેય સમાય જાય છે. તેથી કહે છે કે
સ્વાનુભવ અતીન્દ્રિય આનંદ જ મોક્ષમહેલની સીધી સડક છે. અહીં મુનિરાજે વિકલ્પ
આદિના તો ભૂકા ઉડાડી દીધા છે. ક્યાંય વિકલ્પનું સ્થાન જ નથી. અતીન્દ્રિય આનંદ
જ પૂર્ણાનંદ સુધી પહોંચાડશે, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. શુભ વિકલ્પ આદિ
વ્યવહાર સાથે હોય પણ તે કોઈ માર્ગ નથી, ઉપાય નથી. હિંસા, જુઠું, ચોરી, પરિગ્રહ,
અબ્રહ્મ આદિનો ત્યાગ, મન-વચન-કાયની શુભ પ્રવૃત્તિ આદિ વિકલ્પો બધાં છે ખરાં
પણ તે વ્યવહારચારિત્ર છે. નિશ્ચયચારિત્ર તો એક અતીન્દ્રિય આનંદરૂપ સ્વાનુભવ છે.
હવે કહે છે કેઃ-
विरला जाणहिं तत्तु बुह विरला णिसुणहिं तत्त ।
विरला झायहिं तत्तुं जिय विरला धारहि तत्तु ।। ६६।।
વિરલા જાણે તત્ત્વને, વળી સાંભળે કોઈ,
વિરલા ધ્યાવે તત્ત્વને, વિરલા ધારે કોઈ. ૬૬.
ભગવાન આત્મા શુદ્ધ આનંદનો પિંડ છે, એને તો કોઈ વિરલા પંડિત જ જાણે.