પરમાત્મા] [૧પપ
પરિણમે છે તેને અન્ય કોઈ કરી કે ભોગવી શકતું નથી. અજ્ઞાનદશામાં જીવ રાગ-દ્વેષ
કરે છે અને ભોગવે છે અને જ્ઞાનદશામાં દર્શન-જ્ઞાન-ચારિત્ર કરે છે અને ભોગવે છે.
પરને તો આત્મા અજ્ઞાનમાં પણ ભોગવી શકતો નથી. ભાઈ! જગતના પદાર્થો તેની
વર્તમાન અવસ્થામાં પરિણમી રહ્યાં છે અને પૂર્વની અવસ્થાથી બદલાઈ રહ્યા છે તેમાં
તારે કરવા-ભોગવવાનું ક્યાં આવ્યું? દરેક જીવ સ્વરૂપે પરમાત્મા છે. હું અતીન્દ્રિય પૂર્ણ
આનંદસ્વરૂપ પ્રભુ છું-એમ વારંવાર ભાવના કરવાથી એટલે કે તેમાં એકાગ્રતા કરવાથી
સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ થાય છે અને મિથ્યાત્વ તથા અનંતાનુબંધી કષાય છૂટી જાય છે
ત્યારે જીવ નિર્વાણપદને પ્રાપ્ત કરવાને લાયક બને છે.
निहिं रहियउ तिहिं गुण–सहिउ जो अप्पाणी वसेइ ।
सो सासय–सुह–भायणु वि जिणवरु एम भणेई ।। ७८।।
ત્રણ રહિત ત્રણ ગુણ સહિત, નિજમાં કરે નિવાસ;
શાશ્વત સુખના પાત્ર તે, જિનવર કરે પ્રકાશ. ૭૮.
જે કોઈ જીવ રાગ, દ્વેષ અને મોહ આ ત્રણ દોષને છોડીને સમ્યગ્દર્શન-જ્ઞાન-
ચારિત્ર વડે આત્મામાં સ્થિર થાય છે તે અવિનાશી સુખનો પાત્ર બને છે એમ
જિનેન્દ્રદેવ ફરમાવે છે, સંતો તેને જગત પાસે જાહેર કરે છે.
જેને પરમાનંદસ્વરૂપ નિજ આત્માની પ્રાપ્તિની ચાહના છે તેણે રાગ-દ્વેષ-મોહ
છોડીને સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રસ્વરૂપ આત્મામાં સ્થિર થવું તે તેનો ઉપાય છે. પણ,
અનાદિથી જીવે પોતાના સ્વરૂપને જોવા માટેની આંખ બંધ કરી દીધી છે અને પરને જ
જોઈ રહ્યો છે તો જેને સ્વસ્વરૂપપ્રાપ્તિની ભાવના છે તેણે પોતાનું સ્વરૂપ જોવા માટે
દ્રષ્ટિ, તેનું જ્ઞાન કરવું, શ્રદ્ધા કરવી અને તેમાં સ્થિર થવું. આમ કરવાથી જીવ મુક્તિની
સમીપ આવી જાય છે. મુક્તિનો પાત્ર બને છે, શાશ્વત સુખનું ભાજન બને છે, તેને
અલ્પકાળમાં શાશ્વત સુખની પ્રાપ્તિ થશે.
શ્રોતાઃ- પ્રભુ! એ જ્ઞાનનેત્ર ખોલે કોણ?
પૂજ્ય ગુરુદેવઃ- પોતાના જ્ઞાનનેત્ર પોતે ખોલે. ગુરુ ખોલી ન દે. ગુરુ પોતાના
જ્ઞાનનેત્ર ખોલે. શિષ્યના જ્ઞાનનેત્ર ખુલવામાં ગુરુની વાણી નિમિત્ત હોય છે પણ તે
કાંઈ નેત્ર ખોલી દેતી નથી. ઉપાદાન તો પોતાનું છે. શ્રીમદ્માં આવે છે ને કે ‘શુદ્ધ બુદ્ધ
ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ.’ તું વિચાર
કરીશ તો પામીશ એમ કહ્યું છે. ગુરુ શિષ્યને જ્ઞાન પમાડી દેતા નથી. ઇષ્ટોપદેશમાં પણ
આવે છે કે પોતે જ પોતાનો ગુરુ છે. પોતે જ સમજનાર અને પોતે જ સમજાવનાર છે.
જે આત્મા પોતાના હિતને ચાહે, હિતને બતાવે અને પોતે જ હિતરૂપ વર્તન કરે તે ગુરુ
છે. ઇષ્ટોપદેશમાં પૂજ્યપાદસ્વામીએ આવું પોતાના નિશ્ચય ગુરુનું સ્વરૂપ કહ્યું છે.
જેને નિશ્ચય ગુરુપણું પ્રગટયું છે તે વ્યવહારગુરુનો ઉપકાર બતાવે છે. મુનિઓ પણ
એમ કહે કે ‘અમારા ગુરુના પ્રતાપથી અમે ભવસાગર તરી ગયા છીએ.’ નેમિચંદ્ર સિદ્ધાંત
ચક્રવર્તીના ગોમ્મટસારમાં આ લખાણ છે. શ્રી કુંદકુંદ આચાર્ય પણ લખે છે કે સર્વજ્ઞ