૧પ૬] [હું
ભગવાનથી લઈને અમારા ગુરુ પર્યંત બધાએ કૃપા કરીને અમને આ શુદ્ધાત્મા
બતાવીને તેમાં ઠરી જવાનો ઉપદેશ આવ્યો છે.
જ્ઞાનીની દ્રષ્ટિ એમ સ્વીકાર કરે છે કે હું વર્તમાનમાં જ આઠ કર્મ, પુણ્ય-પાપના
વિકાર અને શરીરાદિ નોકર્મથી રહિત પૂર્ણ પરમાત્મા છું. દ્રષ્ટિનું આવું જોર ક્યાંથી આવે
છે?-કે આત્મામાંથી આવે છે. જ્ઞાનીની દ્રષ્ટિ દ્રવ્યસ્વભાવ સિવાય કોઈનો સ્વીકાર કરતી
નથી. વર્તમાન અવસ્થા રાગયુક્ત અને કર્મના નિમિત્ત સહિત હોવા છતાં તેનાથી
ભેદજ્ઞાન કરીને પોતાના વીતરાગ વિજ્ઞાનમય આત્માને અનુભવે છે તે પુરુષાર્થનું બળ
કેટલું! આવા પુરુષાર્થી જીવો અલ્પકાળમાં મુક્તિ પામે છે.
વ્યવહારથી શત્રુ-મિત્ર, ધનવાન-નિર્ધન, રાજા-પ્રજા, દેવ-નારકી, પશુ-મનુષ્ય,
સૂક્ષ્મ-બાદર, અનાથ-સનાથ, વિગેરે અનેક પ્રકારના ભેદો દેખાય છે, તેમાં સંસારનો
લોલુપી જીવ ઇષ્ટ-અનિષ્ટબુદ્ધિ કરીને રાગ-દ્વેષ કરે છે. આમ વ્યવહારનયથી જગતનું
સ્વરૂપ રાગ-દ્વેષ થવામાં નિમિત્ત બને છે, માટે જ્ઞાનીઓ નિશ્ચયદ્રષ્ટિથી જ જગતનું
સ્વરૂપ જુએ છે. નિશ્ચયદ્રષ્ટિએ બધાં જીવો એક સમાન પરમાત્મા છે. ભગવાન
આત્માનો સ્વભાવ જ સ્વને સ્વ તરીકે અને પરને પરરૂપે જાણવા-દેખવાનો છે.
રત્નત્રયસ્વરૂપી આત્મા અભેદદ્રષ્ટિએ એકરૂપ છે, શુદ્ધ સ્ફટિક સમાન નિર્મળ છે,
પરમ નિરંજન, પરમ જ્ઞાની, પરમ આનંદમય, પરમ પરમેશ્વર છે. આમ વારંવાર
પોતાના આત્માને ધ્યાવવાથી સ્વયં આત્માનુભવ થાય છે તે જ સાચો મોક્ષમાર્ગ છે.
બનારસીદાસજીએ હિન્દી શ્લોક બનાવ્યો છે ને!-કે ધર્મી પોતાના સ્વરૂપને એમ
વિચારે છે-‘કહે વિચિક્ષણ પુરુષ સદા મૈં એક હૂં, અપને રસસો ભર્યો અનાદિ ટેક હૂં,
મોહ કર્મ મમ નાહિ, નાહિ ભ્રમકૂપ હૈ, શુદ્ધ ચેતના સિંધુ હમારો રૂપ હૈ.’ મોહ ભ્રમનો
કૂવો છે અને ભગવાન આત્મા શુદ્ધ ચેતનાનો સાગર છે. આવી દ્રષ્ટિ કરવી તે
સમ્યગ્દ્રષ્ટિ છે.
હવે ૭૯મી ગાથા કહે છે-
चउ–कसाय–सण्णा–रहिउ चउ–गुण–सहियउ बुत्तु ।
सो अप्पा मुणि जीव तुहु जिम परु होहि पवित्तु ।। ७९।।
કષાય સંજ્ઞા ચાર વિણ, જે ગુણ ચાર સહિત;
હે જીવ! નિજરૂપ જાણ એ, થઈશ તું પરમ પવિત્ર. ૭૯.
હે જીવ તું એમ મનન કર!-કે મારો ભગવાન આત્મા ક્રોધ, માન, માયા, લોભ
એ ચાર કષાય અને આહાર, ભય, મૈથુન તથા પરિગ્રહ એ ચાર સંજ્ઞાથી રહિત છે.
અને અનંત દર્શન, જ્ઞાન, સુખ અને વીર્ય એ ચાર ગુણોથી સહિત છે. હે જીવ! આમ
મનન કરીને એવા સ્વભાવનો આશ્રય લઈશ તો તું પરમ પવિત્ર બની જઈશ.
આ જીવ અપનેકો આપ ભૂલકે હૈરાન હો ગયા હૈ, તેને પોતાનો ભગવાન
આત્મા કેવો છે તે જાણવાની પરવા પણ નથી. દયા, ભક્તિ આદિ પુણ્ય કરવાનું કહે
પણ પહેલાં પોતે કોણ છે? કેવું પોતાનું સ્વરૂપ છે? એ તો જાણવું જોઈએ ને!