પરમાત્મા] [૧પ૭
આંબામાં કેરી જેમ વધારે પાકે તેમ તે વધારે નમતો જાય છે. તેમ મુનિરાજ
જ્ઞાનીને કહે છે કે તારામાં તપ અને વિનય આદિ ગુણો છે તો નરમાશ હોવી જોઈએ,
રોગી પ્રત્યે દયા આવે છે તેમ અપરાધી પ્રત્યે પણ દયા લાવવી જોઈએ. ક્રોધ, માન,
માયા, લોભ આદિથી મનને દૂર રાખવું જોઈએ અને આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ
આ ચાર સંજ્ઞાને જીતવી જોઈએ તથા અનંત દર્શન, જ્ઞાન, સુખ, વીર્ય આ અનંત
ચતુષ્ટય યુક્ત આત્માને ધ્યાવવો જોઈએ. કેમ કે જેને નિર્દોષ-પવિત્ર થવું છે તેણે
નિર્દોષ-પવિત્ર ભગવાન આત્માને ધ્યાવવો જોઈએ, તો જ પવિત્ર થઈ શકાય પવિત્ર
સ્વરૂપને ધ્યાવતાં જે સ્વાનુભવ પ્રગટ થાય છે તેની ઉગ્રતા તે જ શુક્લધ્યાન અને
તેનાથી અલ્પ નિર્દોષતા તે જ ધર્મધ્યાન છે.
આત્માનુશાસનમાં કહ્યું છે કે જ્યાં મગરમચ્છ હોય ત્યાં બીજા જીવ રહી શક્તાં
નથી કેમ કે મગરમચ્છ તેને ખાઈ જાય છે. તેમ જ્યાં સુધી ગંભીર અને નિર્મળ
મનરૂપી સરોવરમાં ક્રોધ, માન, માયા, લોભરૂપી મગરમચ્છનો વાસ છે ત્યાં સુધી
ગુણોનો સમૂહ શંકારહિતપણે ત્યાં રહી શકતો નથી. માટે હે જીવ! સમતા અને
ઈન્દ્રિયદમન વડે આ ચાર કષાયો અને ચાર સંજ્ઞાને જીતવાનો પ્રયત્ન કર!
હવે ૮૦ મી ગાથામાં યોગીન્દ્રદેવ પાંચ ઈન્દ્રિયનું દમન કરીને સંયમ તથા પાંચ
અવ્રતનો ત્યાગ કરીને મહાવ્રત પ્રગટ કરવાનું કહે છેઃ
बे–पंचहु रहियउ मुणहि बे–पंचहं संजुत्तु ।
बे पंचहं जो गुणसहिउ सो अप्पा णिरु वुत्तु ।। ८०।।
દશ વિરહિત, દશથી સહિત, દશ ગુણથી સંયુક્ત;
નિશ્ચયથી જીવ જાણવો, એમ કહે જિનભૂપ. ૮૦.
જે ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ આદિ દશ ગુણ સહિત અથવા તો અનંત જ્ઞાન
આદિ દશગુણથી સહિત છે તે આત્મા છે. આવા નિજ આત્માને તું ઈન્દ્રિયદમન અને
અવ્રતના ત્યાગ પૂર્વક ભજ! પાંચ ઈન્દ્રિયના વિષયોમાં ફસાયેલું મન એટલે કે તે
તરફની સાવધાનીવાળું મન આત્માનું ધ્યાન કરી શક્તું નથી. પાંચ ઇન્દ્રિયમાં ઉલ્લસિત
થયેલું મન અતીન્દ્રિય આત્માનું ધ્યાન ન કરી શકે. માટે પાંચ ઇન્દ્રિયને સંયમમાં
રાખીને ઇન્દ્રિયવિજયી બનવું જોઈએ.
જગતના આરંભ-પરિગ્રહથી છૂટવા માટે પણ હિંસા, જૂઠુું, ચોરી, અબ્રહ્મ અને
પરિગ્રહના ભાવોથી વિરક્ત થઈને અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ
આ પાંચ મહાવ્રત પાળવા જોઈએ.
સાધુપદમાં મુનિરાજ દ્રવ્ય અને ભાવ બન્ને પરિગ્રહથી રહિત હોય છે. મુનિને
અંતરમાં રાગરહિત નિર્ગ્રંથદશા છે અને બહારમાં વસ્ત્ર રહિત નિર્ગ્રંથ દશા છે આવા
મુનિ થઈને એકાકીપણે શુદ્ધ નિશ્ચય દ્વારા પોતાના શુદ્ધાત્માનું મનન કરવું જોઈએ.
જુઓ? મુનિને પણ શુદ્ધાત્માનું મનન કરવું તે જ મુનિપણું છે. શુદ્ધાત્મસ્વરૂપનું મનન
એટલે તેમાં એકાગ્ર થવું તે મુનિનું કર્તવ્ય છે અને ગૃહસ્થાશ્રમમાં પણ પોતાના
શુદ્ધાત્મામાં અંશે એકાગ્રતા કરીને નિર્મળતા પ્રગટ કરે છે તેને સમકિતી અથવા શ્રાવક
કહેવાય છે.