૧પ૮] [હું
[પ્રવચન નં. ૩૦]
નિજ–પરમાત્મામાં લીનતા તે જ ખરો સંન્યાસ
[શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૯-૭-૬૬]
આ યોગસારશાસ્ત્ર છે. તેમાં અહીં ૮૦ મી ગાથા ચાલે છે. વિવિધ ગુણોથી
આત્માનું સ્વરૂપ વિચારવાની વાત ચાલે છે.
बे–पंचहं रहियउ मुणहि बे–पंचहं संजुत्तु ।
बे–पंचहं जो गुणसहिउ सो अप्पा णिरु बुत्तु ।। ८०।।
દશ વિરહિત, દશથી સહિત, દશ ગુણથી સંયુક્ત,
નિશ્ચયથી જીવ જાણવો, એમ કહે જિનભૂપ. ૮૦.
નિશ્ચયથી જ્ઞાયકસ્વભાવનું ધ્યાન કરવું તે જ યથાર્થ છે, પણ જ્યારે ધ્યાનમાં
જ્ઞાની ટકી ન શકે ત્યારે જુદાં-જુદાં ગુણોથી આત્માનો સ્વભાવ વિચારે તે વ્યવહાર છે.
જ્ઞાની દશગુણથી આત્માનો વિચાર કરતાં-ભેદદ્રષ્ટિથી આત્માનું મનન કરતાં એમ
વિચારે છે કે આ આત્મા ક્રોધવિકારથી રહિત પૃથ્વી સમાન ક્ષમાગુણધારી છે. શાસ્ત્રમાં
પૃથ્વીની ઉપમા આપી છે કે જેમ પૃથ્વીને કોઈ તોડે, ખાડો પાડે, વિષ્ટા નાખે છતાં
પૃથ્વી તેની સામે ક્રોધ કરતી નથી. તેમ ભગવાન આત્મા ક્ષમાગુણનો ભંડાર જ્ઞાતા-દ્રષ્ટા
રહે છે, ક્રોધ કરતો નથી.
આત્મા માર્દવ ધર્મધારી છે એટલે કે નિર્માનતા-કોમળતાનો પિંડ છે. માયાના
અભાવથી આત્મા ઉત્તમ આર્જવગુણધારી સરળ પરમાત્મા છે. મહાસત્યસ્વરૂપનો ધરનાર
છે. લોભના અભાવથી આત્મા ઉત્તમ શૌચધર્મધારી છે, પવિત્ર છે, સંતોષસ્વરૂપ છે.
આવા આત્મસ્વરૂપની દ્રષ્ટિ કરીને તેમાં સ્થિર થવું તે જ આત્માના કલ્યાણનો ઉપાય છે.
આત્મા સંયમધર્મધારી છે, તેમાં અસંયમનો અભાવ છે. સર્વ ઈચ્છાઓના
અભાવસ્વરૂપ-વીતરાગસ્વરૂપ-શુદ્ધતામાં એકાકાર થઈને તેની તપના એટલે કે તેમાં
પ્રતપન કરવું તે ઉત્તમ તપધર્મ છે. બહારનું તપ તો વ્યવહાર છે. આત્મા તો ત્રિકાળ
પરમ તપસ્વી છે તેનું ધ્યાન કરવું તે ઉત્તમ તપ છે.
લોકોને ત્યાગની બહુ મહિમા હોય છે, પણ બહારની વસ્તુઓનો ત્યાગ કરવો કે
પુસ્તક ઔષધ આદિ દાન દેવું તે ઉત્તમ ત્યાગ નથી. ખરો ત્યાગધર્મ તો પોતાના શુદ્ધ
સ્વરૂપમાં એકાગ્ર થઈને પર્યાયમાં શુદ્ધતા પ્રગટ કરવી અને અશુદ્ધતાનો ત્યાગ કરવો તે
ઉત્તમ ત્યાગધર્મ છે.
મારા સ્વરૂપમાં અન્ય આત્માઓ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળનો અભાવ
છે. રાગ, શરીર, વાણી, મન આદિ મારા નથી એવી અંતરમાં ભાવના કરવી તેનું નામ
આકિંચનધર્મ છે. આત્મા ત્રિકાળ અપરિગ્રહવાન છે, તેનું ધ્યાન કરી પર્યાયમાં
અપરિગ્રહદશા પ્રગટ કરવી તે આકિંચનધર્મ છે. આત્મા પરમ અસંગ છે, તેને કોઈ
અન્યનો સંગ નથી.