૧૬૦] [હું
પાગલ કહેવાય, તેમ આ જીવ જે ગતિમાં જાય ત્યાં જે સ્ત્રી, પુત્ર, પરિવાર, ધનાદિ
હોય તેને પોતાના માની લે છે તો તે પણ પાગલ જ છે ને!
નોકર ભોજન કરે તો રાજા એમ નથી માનતો કે મારું પેટ ભરાઈ ગયું, તો તું
જડના ભોજનથી તારું ભોજન માને છે એ તારી ચાલ તને જ દુઃખદાયી છે. આ બધું
દીપચંદજીએ લખ્યું છે. અનુભવપ્રકાશ, ચિદ્દવિલાસ અને આત્મ-અવલોકન આ ત્રણેય
પુસ્તક દીપચંદજીએ બનાવ્યા છે. શાસ્ત્રપ્રમાણથી અને અંતરદ્રષ્ટિથી બહુ સરસ રચના
કરી છે, પણ લોકોને અત્યારે વાંચવાની પણ ફુરસદ મળતી નથી.
અહીં યોગીન્દ્રદેવ કહે છે કે આત્મા પોતે પોતાની પર્યાયમાં અતીન્દ્રિય આનંદનું
દાન આપે તેનું નામ અનંત દાન છે, નિરંતર સ્વાત્માનુભવ કરવો તે અનંત લાભ છે.
પુત્ર, પૈસો કે કીર્તિ આદિની પ્રાપ્તિ થવી તે લાભ નથી પણ સ્વભાવમાંથી નિર્વિકારતા
પર્યાયમાં પ્રગટ થવી તે સાચો લાભ છે.
શ્રોતાઃ-પ્રભુ! જડની ક્રિયાને આત્માની ન માનવી પણ ધર્મકાર્યમાં દાન તો દેવું
કે નહિ?
પૂજ્ય ગુરુદેવશ્રીઃ-ભાઈ! દાન કોણ કોને આપી શકે? દાનનો ભાવ થાય છે તે
શુભભાવ છે, પણ એ શુભભાવ થયો માટે લક્ષ્મી જાય છે એમ નથી અને લક્ષ્મી
જવાની છે માટે શુભભાવ થયો એમ પણ નથી અને શુભભાવ થયો માટે ધર્મ થશે
એમ પણ નથી.
આનંદસ્વરૂપ ભગવાન આત્માની દ્રષ્ટિ કરીને આનંદનો અનુભવ કરવો તેનું
નામ ભોગ છે અને તેનો વારંવાર અનુભવ કરવો તેનું નામ ઉપભોગ છે. જડ વસ્તુને
તો આત્મા ભોગવી જ શકતો નથી તો ઉપભોગ ક્યાંથી કરે?
આત્મા અનંતવીર્યનો ધણી છે. તે પોતાની શક્તિરૂપે પરિણમન કરવામાં થાકતો
તો નથી ઉલટું તેના બળની વૃદ્ધિ થાય છે.
જીવ જ્યારે અભેદનયથી એક અખંડ આત્માને ધ્યાવે છે ત્યારે તેને સ્વાનુભવનો
લાભ થાય છે તે જ આત્મદર્શન છે, તે જ સુખશાંતિ છે, તે જ આત્મસમાધિ છે અને તે
જ નિશ્ચયરત્નત્રયની ઐક્યતા છે. માટે મુમુક્ષુજીવે નિશ્ચિંત થઈને પરમ રુચિથી પોતાના
આત્માનું સેવન કરવું.
હવે યોગીન્દ્ર મુનિરાજ ૮૧ મી ગાથામાં કહે છે કે આત્મસ્મરણમાં જ તપ ત્યાગ
આદિ બધું આવી જાય છે.
अप्पा दंसणु णाणु मुणि अप्पा चरणु वियाणि ।
अप्पा संजमु सील तउ अप्पा पच्चक्खाणि ।। ८१।।
આત્મા દર્શન-જ્ઞાન છે, આત્મા ચરિત્ર જાણ;
આત્મા સંયમ-શીલ-તપ, આત્મા પ્રત્યાખ્યાન. ૮૧.
આ ગાથા સમયસારમાં પણ આવે છે આત્માને જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર
સંયમ આદિ જાણો.