૧૬૨] [હું
અહીં સમયસારનો આધાર આપ્યો છે કે શ્રી કુંદકુંદ આચાર્ય ફરમાવે છે કે નિશ્ચયથી
મારા જ્ઞાનમાં આત્મા છે. મારા દર્શનમાં આત્મા જ સમીપ છે, જ્ઞાનમાં આત્મા જ
સમીપ છે, ચારિત્રમાં આત્મા જ સમીપ છે કેમ કે તેમાં હું જ્યારે રમણ કરું છું ત્યારે
આત્માની સમીપ જ પહોંચું છું.
હવે ૮૨ મી ગાથામાં મુનિરાજ કહે છે કે પરભાવોનો ત્યાગ તે જ સંન્યાસ છે.
जो परियाणइ अप्प परु सो परु चयइ णिभंतु ।
सो सण्णासु मुणेहि तुहु केवल–णाणिं उत्तु ।। ८२।।
જે જાણે નિજ આત્મને, પર ત્યાગે નિર્ભ્રાન્ત;
તે જ ખરો સંન્યાસ છે, ભાખે શ્રી જિનનાથ. ૮૨.
જે આત્મા પોતાના આનંદસ્વરૂપ શુદ્ધાત્માને જાણે તે અને શરીર, કર્મ, પુણ્ય-
પાપ આદિ પરદ્રવ્ય-પરભાવને પરરૂપે જાણે છે તે જીવ કોઈ જાતની ભ્રાંતિ વગર પરને
ત્યાગી દે છે અને સ્વરૂપમાં સ્થિર થાય છે તે જીવ સંન્યાસી છે.
કેવળીભગવાન સર્વજ્ઞદેવ એમ કહે છે કે પોતાના વીતરાગસ્વરૂપ આત્માનું અને
રાગનું એ બેનું જ્ઞાન કરીને રાગ છોડી સ્વરૂપમાં સ્થિર થવું તેનું નામ ત્યાગ છે-
સંન્યાસ છે. આવા સંન્યાસનો પ્રારંભ અવિરત સમ્યગ્દ્રષ્ટિથી ચાલુ થઈ જાય છે. કારણ
કે સમ્યગ્દ્રષ્ટિને ચોથા ગુણસ્થાને અભિપ્રાયમાં રાગનો ત્યાગ વર્તે છે અને સ્વભાવનું
ગ્રહણ થયું છે.
૯૬૦૦૦ રાણી અને ૯૬ કરોડ પાયદળના સ્વામી સમ્યગ્દ્રષ્ટિ ચક્રવર્તી અંતરથી
તેના સ્વામી થતાં નથી. જ્ઞાની પુદ્ગલ, શરીર, વાણી, મન અને અંતરમાં
શુભાશુભભાવો થાય છે તેના પણ સ્વામી થતાં નથી. આવા જ્ઞાની તે દ્રષ્ટિ અપેક્ષાએ
સંન્યાસી છે પણ સ્થિરતા અપેક્ષાએ તો મુનિ જ સંન્યાસી છે.
આત્મામાં સ્વ-સ્વામીસંબંધ નામનો એક ગુણ છે. સ્વ નામ પોતાનું સહજાત્મસ્વરૂપ
તેનો આત્મા સ્વામી છે. વિકલ્પનો સ્વામી આત્મા નથી. આત્મા પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-
ભાવનો સ્વામી છે. અન્યના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનો સ્વામી આત્મા નથી.
એકસ્વરૂપે બિરાજમાન શુદ્ધ વસ્તુ તે મારું દ્રવ્ય છે, લક્ષ્મી છે તે મારું દ્રવ્ય નથી.
આત્માનું અસંખ્યપ્રદેશી ક્ષેત્ર મારું ક્ષેત્ર છે. શરીરનું કે મકાનનું કે રાગનું ક્ષેત્ર તે મારું
ક્ષેત્ર નથી. મારા આત્મગુણોનું સમય-સમયનું પરિણમન તે મારો કાળ છે અને મારા
આત્માના શુદ્ધ ગુણો છે તે મારો ભાવ છે. હું તો સિદ્ધ સમાન શુદ્ધ, નિરંજન, નિર્વિકાર
ચૈતન્ય છું, પૂર્ણ દર્શન-જ્ઞાનમય છું. આવો સમ્યગ્દ્રષ્ટિનો અભિપ્રાય હોય છે. અપૂર્ણ
અવસ્થા કે રાગની અવસ્થાના સ્વામી સમ્યગ્દ્રષ્ટિ થતાં નથી. એ અપેક્ષાએ જ્ઞાનીને
પરનો સંન્યાસ છે-ત્યાગ છે.
આત્મા અગાધ...અગાધ...અગાધ...અમાપ અકૃત્રિમ ચૈતન્યગુણોનો મોટો
મહાસાગર છે. એવી દ્રષ્ટિના ધારક સમ્યગ્દ્રષ્ટિ દ્રષ્ટિ અપેક્ષાએ પરમ કૃતકૃત્ય છે.
જીવનમુક્ત છે, તથા ખરા સંન્યાસી છે.