પરમાત્મા] [૧૬૩
[પ્રવચન નં. ૩૧]
રત્નત્રયયુક્ત નિજ–પરમાત્માઃ ઉત્તમ તીર્થ
[શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૧૦-૭-૬૬]
શ્રી યોગસાર શાસ્ત્રમાં આ ૮૨ મી ગાથા ચાલે છે. શ્રી યોગીન્દુ મુનિરાજ કહે છે
કે પરભાવનો ત્યાગ તે જ સંન્યાસ છે.
जो परियाणइ अप्प परु सो परु चयइ णिमंतु ।
सो सप्णासु मुणेहि तुहुं केवल–णाणिं उत्तू ।। ८२।।
જે જાણે નિજ આત્મને, પર ત્યાગે નિર્ભ્રાંત;
તે જ ખરો સંન્યાસ છે, ભાખે શ્રી જિનનાથ. ૮૨.
કોઈ કહે કે ચોથા ગુણસ્થાને સમ્યગ્દ્રષ્ટિને ત્યાગ ન હોય. તો જુઓ! અહીં
મુનિરાજ કહે છે કે જે પોતાના આત્માને જાણી પુણ્ય-પાપ આદિ પરભાવનો ત્યાગ કરે
છે તેને જ ખરેખર સંન્યાસ છે. શુદ્ધ જ્ઞાનાનંદ સ્વરૂપ પોતાનું સ્વરૂપ અને અજીવ તથા
વિકારાદિ પરભાવોના સ્વરૂપ વચ્ચે જેને ભેદજ્ઞાન છે તેની દ્રષ્ટિમાંથી પરભાવ છૂટી જાય
છે. ધર્મી જીવ પોતાના શુદ્ધસ્વરૂપનો આદર કરે છે અને વિકાર તથા સંયોગોનો આદર
કરતાં નથી. કેમ કે ધર્મીની દ્રષ્ટિમાં વિકાર અને સંયોગોનો ત્યાગ છે એ જ ખરો
સંન્યાસ છે.
આત્મા શુદ્ધ, અરૂપી, આનંદઘન છે. આવા નિજ આત્માની જેને દ્રષ્ટિ પ્રગટ થઈ
છે એવો ધર્મી જીવ એમ વિચારે છે કે મારે મારાથી ભિન્ન, અન્ય દરેક આત્મા અને જડ
પુદ્ગલના સ્કંધો સાથે કાંઈ સંબંધ નથી. જોકે આત્મા સ્વભાવે તો પરદ્રવ્ય-પરભાવના
સંબંધથી ત્રિકાળ રહિત છે પણ જેની દ્રષ્ટિમાં આત્મા આવે છે તે વર્તમાન પર્યાયમાં
પણ વિકાર અને પરદ્રવ્યથી ભિન્ન આત્માની દ્રષ્ટિ કરે છે તેને ત્યાગ કહેવામાં આવે છે.
જેમ સંસારમાં પુત્રના લગ્ન કે એવા કોઈ પ્રસંગે બીજા પાસેથી પાંચ-દશ
હજારના ઘરેણાં ઉછીના પહેરવા લઈ આવે તેને પોતાની પુંજીમાં નથી ગણતા. તેમ
વિકાર તો આગંતુક ભાવ છે તેને ધર્મી પોતાના સ્વભાવ તરીકે સ્વીકારતા નથી, કેમ કે
તે કાંઈ ત્રિકાળ ટકનારી ચીજ નથી.
ધર્મી જીવ એમ વિચારે છે કે ધર્મ-અધર્મ, આકાશ અને કાળદ્રવ્યથી પણ હું ભિન્ન
છું, જ્ઞાનાવરણાદિ આઠ કર્મથી પણ હું રહિત છું, શરીરાદિ પરદ્રવ્ય કે રાગાદિ વિકારભાવ
પણ મારામાં નથી, પાંચ ઈન્દ્રિયોના વિષયની અભિલાષાનો પણ મારામાં અભાવ છે.
અસ્થિરતા વશ પાંચ ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે રાગ આવી જાય છે પણ તેમાં સુખબુદ્ધિ
નથી. તેથી અભિપ્રાયમાં ધર્મીને સર્વ પરદ્રવ્યોનો તથા પરભાવોનો ત્યાગ વર્તે છે.
આગળ આવશે કે ‘જ્યાં ચેતન ત્યાં અનંત ગુણ, કેવળી બોલે એમ’ કેવળી
ભગવાન-