પરમાત્મા] [૧૬૯
અકાર્યકારણ શક્તિ છે. એક ગુણ એવો છે તો બધાં ગુણ અને દ્રવ્ય પણ
અકાર્યકારણસ્વરૂપ છે.
અધ્યાત્મની અંતરની વાતો ગ્રહણ થવામાં ઘણો પુરુષાર્થ માગી લે છે. આ તો
ભગવાનના ઘરની વાત છે તે સમજવા માટે ઘણો પુરુષાર્થ જોઈએ. ધર્મ કોઈ સાધારણ
ચીજ નથી. જેના ફળમાં ભૂતકાળથી પણ અનંતગુણી ભવિષ્યની પર્યાયોમાં અતીન્દ્રિય
આનંદનું ફળ મળે એવા ધર્મની શી વાત કરવી? અને આ ધર્મ જેના આશ્રયથી પ્રગટ
થાય છે એવા દ્રવ્યનું તો કહેવું જ શું? તેની મહિમાનો કોઈ પાર નથી.
પણ અરેરે! જીવને પોતાની સ્વતંત્ર મહાન સત્તાની વાત રુચતી નથી.
અનાદિકાળથી પોતાને શક્તિહીન માનીને પરાધીન દશામાં જ રહ્યો છે તેથી સ્વતંત્રતા
રુચતી નથી. પણ ભાઈ! તું તો પરાક્રમી સિંહ છો, તને આ પરાધીનતા-કાયરતા
શોભતી નથી.
આત્મા સ્વભાવથી અકર્તા-અભોક્તા છે. પરનો કર્તા-ભોક્તા તો આત્મા નથી
પણ રાગનો કર્તા-ભોક્તા પણ આત્મા પોતાના સ્વરૂપથી થતો નથી. ગજબ વાત છે
ભાઈ! સમજવા જેવી વાત છે.
શું રાગ આત્માના સ્વભાવની ખાણમાં પડયો છે-શક્તિમાં રાગ પડયો છે કે
તેને આત્મા કરે? ખરેખર જો આત્મા સ્વભાવથી રાગને કરતો હોય તો તેનો અર્થ એ
થયો કે આખું દ્રવ્ય વિકારી છે, પણ એમ નથી. માટે રાગનો કર્તા આત્મા છે જ નહિ.
વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ સર્વજ્ઞદેવે બતાવ્યું છે, કાંઈ બનાવ્યું નથી. જેવું
સ્વરૂપ છે તેવું સર્વજ્ઞે જાણ્યું, જાણ્યું એવું વાણીમાં આવ્યું અને તેવું જ વસ્તુનું સ્વરૂપ છે.
ભાઈ! તું તો આત્મા છો ને? તારામાં તો મહાન મહાન પવિત્રતા પડી છે. તે
પવિત્રતારૂપે તું પરિણમી જા! એ પરિણમન તે વ્યવહાર છે અને ધ્રુવ પોતે નિશ્ચય છે.
એક રજકણનો પણ આત્મા કર્તા નથી ત્યાં તેને પરને બચાવવાવાળો, દયાવાળો
કે પરને મારવાવાળો શી રીતે કહેવાય? એક કહેવું એ તો ભગવાનને કલંક લાગે છે.
જે સ્વભાવ નથી તેને સ્વભાવ માનવો તે કલંક છે પ્રભુ! એ કલંકનું ફળ બહુ
નુકશાનકારી છે ભાઈ! તને પોતાને નુકશાન થાય એવું તું શા માટે માને છે?
આ તો ભાઈ! ભગવાનના દેશની વાત છે. જેને પરદેશમાંથી નીકળીને સ્વદેશમાં
આવવું હોય તેને માટે આ વાત છે. ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદના રસકસથી
તરબોળ...તરબોળ છે. આખો અસંખ્યપ્રદેશી આત્મા અતીન્દ્રિય આનંદથી તરબોળ છે.
તેમાં આનંદ ઠસોઠસ ભરેલો છે. તેમાં બીજું કાંઈ પ્રવેશવાનો અવકાશ નથી. આત્મા
ખરેખર આવા અતીન્દ્રિય આનંદનો ભોક્તા છે. પણ એમ ભેદ પાડીને કહેવું એ પણ
વ્યવહાર છે.
આત્મા શું ચીજ છે, શું એની મહિમા છે તેનો જીવે કદી અંતરથી વિચાર જ કર્યો
નથી. અરે! આત્મા તો એવો છે કે આત્માના પેટમાંથી પરમાત્માનો પ્રસવ થાય છે,
આત્મા પરમાત્માનું પ્રસૂતિગૃહ છે. અનંતી પરમાત્મ-પર્યાયો આત્માના પેટમાં ભરી છે.
જ્યાં આત્મા સ્વભાવમાં એકાકાર થાય છે ત્યાં એક પછી એક પરમાત્મ-પર્યાયો પ્રગટ
થવા લાગે છે.
પ્રવચનસારની છેલ્લી ગાથામાં આચાર્યદેવ કહે છે કે ‘એક આખા શાશ્વત સ્વતત્ત્વને