પરમાત્મા] [૨૦૯
[પ્રવચન નં. ૪૦]
નિજ–પરમાત્મ–અનુભવથી જ શાસ્ત્રજ્ઞાનની સફળતા
[શ્રી યોગસાર શાસ્ત્ર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૨૧-૭-૬૬]
આ શ્રી યોગસાર શાસ્ત્ર છે, તેમાં અહીં ૯પ મી ગાથા ચાલે છે.
અહીં યોગીન્દ્રદેવ કહે છે કે ‘આત્મજ્ઞાની જ સર્વ શાસ્ત્રોનો જ્ઞાતા છે.’ કેમ કે
સર્વ શાસ્ત્રો જાણવાનું ફળ આત્માને જાણવો તે છે. આત્મજ્ઞાન જ સર્વ શાસ્ત્રોનો સાર
છે તેથી આત્મજ્ઞાન સહિતના શાસ્ત્રજ્ઞાનની મુખ્યતા છે.
जो अप्पा सुद्धु वि मुणइ असुइ–सरीर–विभिन्नु ।
सो जाणइ सत्थई सयल सासय–सुक्खहं लीणु ।। ९५।।
જે જાણે શુદ્ધાત્મને, અશુચિ દેહથી ભિન્ન;
તે જ્ઞાતા સૌ શાસ્ત્રનો, શાશ્વત સુખમાં લીન. ૯પ.
આત્મામાં અતીન્દ્રિય આનંદ અંતરમાં ભર્યો પડયો છે. જેમ વસ્તુ શાશ્વત છે તેમ
તેનો અતીન્દ્રિય આનંદ પણ શાશ્વત છે. એવા શાશ્વત આનંદમાં એકાગ્ર થઈને આત્માનો
અનુભવ કરે, આત્માને જાણે તેણે સર્વ જાણ્યું.
આ તો ભાઈ! યોગસાર છે ને! યોગસાર એટલે અંતર આત્મામાં જોડાણ,
મિથ્યાદ્રષ્ટિને અધર્મરૂપ જોડાણ છે અને જ્ઞાનીને આત્મામાં એકાગ્રરૂપ જોડાણ હોય છે.
ભગવાન આત્મા અતીન્દ્રિય જ્ઞાન અને આનંદસ્વરૂપ છે એમ પ્રથમ નિર્ણય કરીને, તેની
સન્મુખ થઈને, જેણે અતીન્દ્રિય આનંદનો અંશે અનુભવ કર્યો અને તે દ્વારા જાણ્યું કે આત્મા
અતીન્દ્રિયજ્ઞાન અને આનંદમય છે તેણે સર્વ જાણ્યું. એકને જાણ્યો તેને સર્વ જાણ્યું.
યોગસારમાં એકલું માખણ ભર્યું છે. યોગીન્દ્રદેવ કહે છે કે પ્રભુ! તારી પાસે જ
તારો આનંદ છે ને! બહાર તું ક્યાં શોધવા જાય છે? આનંદ તો તારો સ્વભાવ છે
ભાઈ! ત્રિકાળી આનંદ આદિ અનંતગુણરૂપ ધર્મનો ધરનાર તું ધર્મી છો. આવા પોતાના
સ્વભાવને જે અનુભવ સહિત જાણે તેણે બાર અંગ અને ચૌદપૂર્વ જાણ્યા કહેવાય.
કારણ કે બધાં શાસ્ત્રમાં કહેવાનો હેતુ તો આત્માનું જ્ઞાન કરવું તે જ છે.
શાસ્ત્રનું જ્ઞાન ત્યારે જ સફળ કહેવાય કે જ્યારે જીવ પોતાના સ્વભાવને યથાર્થ
જાણે. અને આત્માને યથાર્થ જાણ્યો ત્યારે કહેવાય કે જ્યારે જીવ તેની રુચિ કરીને
સ્વભાવનો સ્વાદ લ્યે. આમાં જાણવું, રુચિ અને આનંદનું વેદન આ ત્રણ વાત આવી ગઈ.