Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 12 of 238
PDF/HTML Page 23 of 249

 

background image
૧૨] [હું
એને પહેલાં જાણજે ને પછી તેનું ધ્યાન કરજે. એટલે કે જે દ્રષ્ટિ બહાર તરફ છે. પર
તરફ છે તેનો પલટો મારીને અંદર સ્વ તરફ કરજે; તેનાથી શાંતિ ને શિવસુખ પામીશ,
એ સિવાય મોક્ષના સુખની પ્રાપ્તિનો બીજો ઉપાય વીતરાગ પરમેશ્વરના માર્ગમાં નથી
અને બીજે તો છે જ નહીં. હવે છઠ્ઠી ગાથા કહે છેઃ-
આત્માના ત્રણ પ્રકાર છે. આત્મા આત્મા કરે છે ને! તેને આત્માની પર્યાયના
ત્રણ પ્રકાર કહે છે. એકલો નિર્મળ આત્મા અનાદિથી છે એમ કહે છે તે ખોટું, એકલો
મલિન જ આત્મા કહે છે તે પણ ખોટું; ત્રણ પ્રકારે આત્મા છે, તે કહે છેઃ-
ति–पयारो अप्पा मुणहि परु अंतरु बहिरप्पु ।
पर झायहि अंतर सहिउ बाहिरु चयहि णिभंतु ।। ६।।
ત્રિવિધ આત્માની જાણીને, તજ બહિરાતમ રૂપ;
થઈ તું અંતર આતમા, ધ્યા પરમાત્મસ્વરૂપ. ૬.
આત્માને પર્યાય અવસ્થાથી ત્રણ પ્રકારે જાણો; દ્રવ્ય અપેક્ષાએ તો ત્રિકાળી
એકરૂપ આત્મા છે. પર્યાયમાં ભૂલ, ભૂલનું ટળવું ને નિર્ભૂલની પૂરણ પ્રાપ્તિ-એ બધું
પર્યાયમાં છે. બહિરાત્માપણું એટલે કે પુણ્ય-પાપના રાગને પોતાના માનવો એ એની
પર્યાયમાં છે, અંતરાત્માપણું એટલે કે આત્મા શુદ્ધ છે એમ માનવું તે એની પર્યાયમાં છે
અને પૂરણ પરમાત્મપણે પરિણમવ્રું એ પણ એની પર્યાયમાં છે.
શક્તિરૂપે તો દરેક આત્મા પરમાત્મા છે. પરમાત્માની બધી અવસ્થા જે સાદિ-
અનંત પ્રગટ થવાની છે તે બધી શક્તિ તો વર્તમાનમાં આત્મામાં પડી છે, પરંતુ અહીં
તો પ્રગટ પૂરણ પર્યાયની અપેક્ષાએ પરમાત્માની વાત કરે છે.
નિર્વિકલ્પ શુદ્ધ પરમાત્માનું સ્વરૂપ હજુ પર્યાયમાં પ્રગટ થયું નથી પણ વસ્તુએ
આવો છું એમ જેણે શ્રદ્ધા-જ્ઞાનથી-ધ્યાનથી નક્કી કર્યું છે તેને વર્તમાન દશાની
નિર્મળતાની -અપૂર્ણ નિર્મળ દશાની અપેક્ષાએ અંતરાત્મા કહેવામાં આવે છે.
ભગવાન પૂરણ શુદ્ધ નિર્મળાનંદ છે અને એ સિવાયના દયા-દાન-વ્રત-ભક્તિના
પરિણામ ને દેહની ક્રિયા તેને પોતાની માનનારો, તેનાથી હિત માનનારો, તેને ભિન્ન
નહીં માની શકનારો આત્મા બહિરાત્મા છે. રાગાદિના પરિણામ જે આસ્રવતત્ત્વ છે, તે
બર્હિતત્ત્વ છે, તેને આત્માના હિતરૂપ માનનારો બહિરાત્મા છે. કર્મજન્ય ઉપાધિના
સંસર્ગમાં આવીને ક્યાંય પણ ઉલ્લસિત વીર્યથી હોંશ કરવી એ બહિરાત્મા છે. ભગવાન
આત્માનો ઉલ્લસિત વીર્યથી આદર છોડીને બહારના કોઈ પણ ઉપાધિભાવ કે કર્મજન્ય
સંયોગના સંસર્ગમાં આવતાં તેમાં વીર્ય ઉલ્લસિત થઈ જાય કે “આહાહા! આહાહા!”-
એમ પરમાં વિસ્મયતા થઈ જાય તેને બહિરાત્મા કહે છે. અંતરના આનંદથી રાજી ન
થયો ને બહારના શુભાશુભભાવ ને એના ફળ કે જે આત્માના સ્વભાવથી બાહ્ય વર્તે છે
તેમાં ખુશી થયો, તેમાં આત્માપણું માન્યું એને બહિરાત્મા મિથ્યાદ્રષ્ટિ કહે છે.