૨૨૪] [હું
[પ્રવચન નં. ૪૩]
કેવળજ્ઞાનીની જેમ
નિઃશંકપણે નિજ–પરમાત્માને જાણતા જ્ઞાની
[શ્રી યોગસાર શાસ્ત્ર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૨૪-૭-૬૬]
આ શ્રી યોગસાર શાસ્ત્ર છે. તેમાં ૧૦૦મી ગાથામાં સાચી સામાયિકના સ્વરૂપનું
વર્ણન ચાલે છે.
राय–रोस बे परिहरिवि जो समभाउ मुणेइ ।
सो सामाइउ जाणि फुडु केवलि एम भणेइ ।। १००।।
રાગ-દ્વેષ બે ત્યાગીને, ધારે સમતાભાવ;
તે સામાયિક જાણવું, ભાખે જિનવરરાવ. ૧૦૦.
ભગવાન સર્વજ્ઞદેવ કહે છે કે જે રાગ-દ્વેષનો ત્યાગ કરીને સમભાવને ધારણ કરે
છે તેને સાચી સામાયિક હોય છે.
આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ છે એવું જેને ભાન થયું તેને બીજા પ્રાણીઓ પ્રત્યે
સમભાવ વર્તે છે. ધર્મીજીવની દ્રષ્ટિ મિથ્યાદ્રષ્ટિની દ્રષ્ટિ કરતાં ઊલટી થઈ ગઈ છે.
મિથ્યાદ્રષ્ટિ પરદ્રવ્ય મને લાભ-નુકશાન કરે છે એમ માનીને તેના પ્રત્યે રાગ-દ્વેષ કરે છે
અને જ્ઞાની તો એમ માને છે કે કોઈ પરદ્રવ્ય મને લાભ-નુકશાન કરી શક્તા નથી.
સૌને પોતાના કર્મ અનુસાર સંયોગ-વિયોગ થાય છે, કોઈ કોઈનો બગાડ સુધાર કરી
શક્તું નથી. આવી દ્રઢ શ્રદ્ધા અને જ્ઞાનને કારણે જ્ઞાનીને પરદ્રવ્ય પ્રત્યે રાગ-દ્વેષની બુદ્ધિ
થતી નથી.
પોતાના સ્વભાવને જ્ઞાતા-દ્રષ્ટારૂપે કબૂલતો, જાણતો, ઠરતો ધર્મી જીવ બીજા
જીવના જીવન-મરણ, સુખ-દુઃખને કોઈ અન્ય જીવ કરે છે એમ માનતો નથી. જગતના
દરેક કાર્યો પોત-પોતાના અંતરંગ ઉપાદાનને કારણે થાય છે એમ ધર્મી માને છે.
જેમ સૂર્ય તેના કારણે ઊગે છે અને તેના કારણે આથમે છે તેમાં કોઈને એવો
વિકલ્પ નથી આવતો કે આ જલ્દી ઊગે કે જલ્દી આથમી જાય તો સારૂં. તેમ ધર્મી
જીવને જગતના દરેક કાર્યો તેના કારણે થાય છે તેમાં હું ફેરફાર કરું એવી બુદ્ધિ થતી
નથી. દરેક પદાર્થ તેના ક્રમે પરિણમતા પોતાની અવસ્થાના કાર્યને કરે છે, તેમાં અનુકૂળ
નિમિત્ત જે હોય તે હોય જ છે એમ જાણતાં જ્ઞાનીને બીજાના કાર્ય મેં કરી દીધાં એવો
અહંકાર થતો નથી અને બીજા મારા કાર્ય કરી દે એવી અપેક્ષા રહેતી નથી.
જગતનું ક્યું દ્રવ્ય નકામું છે? એટલે કે કયું દ્રવ્ય પર્યાય વિનાનું છે? કોઈ દ્રવ્ય
પર્યાય વિનાનું નથી. પર્યાય એટલે દ્રવ્યનું કાર્ય અને દ્રવ્ય તેનું કારણ. કાર્ય વિનાનું કારણ
ન હોય અને કારણ વિનાનું કાર્ય ન હોય. આવું જાણતાં જ્ઞાનીને પરદ્રવ્ય પ્રત્યે વિષમતા