૨૩૨] [હું
ભગવાન આત્મા આનંદ દેનારો છે માટે આત્મા જ શંકર છે. આત્મા જ્ઞાન પ્રમાણ છે,
જ્ઞાન જ્ઞેય પ્રમાણ છે, માટે આત્મા લોકાલોક પ્રમાણ છે એટલે કે ક્ષેત્રથી નહિ પણ
કેવળજ્ઞાનની અપેક્ષાએ આત્મા લોકાલોક વ્યાપક છે માટે આત્મા જ વિષ્ણુ છે.
આત્મા જ રુદ્ર છે કેમ કે જેમ રુદ્ર બીજાનો નાશ કરે છે તેમ આત્મા આઠ
કર્મોનો નાશ કરે છે. આત્મા જ બુદ્ધ છે. એક સમયમાં પૂર્ણાનંદનો નાથ આત્મા પૂર્ણ
જ્ઞાનરૂપે પરિણમે છે અને એવી એવી અનંતી શક્તિઓ આત્મામાં રહેલી છે માટે
આત્મા જ બુદ્ધ કહેવાય. આવા આત્માને જે માનતા નથી અને ક્ષણિક પર્યાયને જ
આત્મા માને છે તે માન્યતા તદ્ન ખોટી અજ્ઞાનભાવ છે...સંસારભાવ છે.
ગાંધીજીએ શ્રીમદ્ને પ્રશ્ન કર્યો હતો કે આ બૌદ્ધ થઈ ગયા તે મોક્ષ પામ્યા છે કે
નહિ? તો શ્રીમદે્ કહ્યું કે બૌદ્ધના શાસ્ત્ર અને લખાણ જોતાં તેમને મુક્તિ હોય શકે નહિ
અને આ સિવાય બીજા કોઈ તેના અભિપ્રાય હોય તે આપણને જાણવા ન મળે ત્યાં
સુધી આપણે કેમ નક્કી કરી શકીએ? પણ એમણે જે અભિપ્રાયો કહ્યાં છે તે ઉપરથી
તો તે મુક્તિ પામ્યાં નથી. શ્રીમદ્ને ૨૭ વર્ષ થયા હતા ત્યારે ગાંધીજીએ ૨૭ પ્રશ્નો
પૂછયાં હતાં તેમાં એક આ પ્રશ્ન હતો.
જે પરમ કૃતકૃત્ય સર્વ પ્રકારની ઈચ્છાથી રહિત છે અને અવિનાશી પરમેશ્વર
શક્તિનો ધારક છે તે પરમેશ્વર પરમાત્મા જ સાચા બ્રહ્મા છે, અતીન્દ્રિય આનંદ- સ્વરૂપમાં
લીન છે અને પોતાના સ્વરૂપના કર્તા છે માટે બ્રહ્મા છે. જગતના કર્તા કોઈ બ્રહ્મા નથી.
આમ, બ્રહ્મા, વિષ્ણુ આદિ હજારો નામ લઈને ભાવના કરનારો આત્માની
ભાવના કરી શકે છે પણ સાર એ છે કે આત્માનું જેવું સ્વરૂપ છે તેવું લક્ષમાં લઈને
તેનું ધ્યાન કરવું તેનું નામ ખરેખર ધ્યાન અને સંવર-નિર્જરા છે.
જેમ નિર્મળ ક્ષીરસમુદ્રમાં નિર્મળ તરંગો જ ઊઠે છે તેમ શુદ્ધાત્મામાં સર્વ પ્રવર્તન
શુદ્ધ જ હોય છે. ભગવાન આત્મા શુદ્ધ ગુણ સ્વરૂપે છે તેની દશા થાય તે પણ શુદ્ધરૂપે
જ પરિણમે છે. જેવા ગુણ છે તેવી જ પૂર્ણ પર્યાય પ્રગટ થાય ત્યારે તેને બુદ્ધ, જિન,
ઈશ્વર આદિ નામો અપાય છે.
હવે ૧૦૬ મી ગાથામાં યોગીન્દુ મુનિરાજ કહે છે કે પરમાત્મા જેવો દેવ આ
દેહમાં પણ છે; તે દેહવાસી દેવમાં અને પરમાત્મામાં કાંઈ ફેર નથી.
एव हि लक्खण–लखियउ जो परु णिक्कलु देउ ।
देहहं मज्झहिं सो वसइ तासु ण विज्जइ भेउ ।। १०६।।
એવા લક્ષણયુક્ત જે, પરમ વિદેહી દેવ;
દેહવાસી આ જીવમાં ને તેમાં નથી ફેર. ૧૦૬.
આગળની ગાથામાં જે બ્રહ્મા, વિષ્ણુ, શિવ, શંકર આદિ લક્ષણોથી પરમાત્માનું
સ્વરૂપ કહ્યું તેના જેવો જ દેવ આ દેહમાં વસે છે. પરમાત્મામાં અને દેહવાસી દેહમાં
ખરેખર કાંઈ ફેર નથી.