Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 15 of 238
PDF/HTML Page 26 of 249

 

background image
પરમાત્મા] [૧પ
એમ મૂઢ થઈને મફતનો માને છે. કર્મના લઈને મોહ્યો છે એમ નથી, પણ પોતાનું સ્વરૂપ
જે અનાકુળ આનંદ એને સ્પર્શ્યા વિના અડયા વિના, કર્મજન્ય સામગ્રી છે તેમાં-અનંત
પ્રકારની બાહ્ય ચીજો તથા અસંખ્ય પ્રકારના શુભાશુભ રાગ એ બધા કર્મના ફળનું
સામ્રાજ્ય છે તેમાં-હું પણાની દ્રષ્ટિ છે તે મિથ્યાદર્શનથી મોહેલો પ્રાણી છે.
પરીક્ષામાં પાસ થાય ત્યાં હું પાસ થયો! પણ એ તો કર્મની સામગ્રીનું ફળ છે,
એ કાંઈ આત્માનો સ્વભાવ નથી. પણ મિથ્યાદર્શનથી મોહેલો પ્રાણી એમાં ખુશી થાય
છે, એને જ પોતાનું સ્વરૂપ માને છે. ભગવાન પૂર્ણાનંદ, એક સમયમાં અનંત સમૃદ્ધિનું
પૂરણ સ્વરૂપ ભગવાન આત્મા છે, તેને ન માનતા, અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ જીવ એક
સમયની અલ્પજ્ઞતાને, વિકારને ને બાહ્ય સંયોગને પોતાના માને છે. પરમાત્માને જાણતો
નથી ને બાહ્ય ચીજને પોતાની માને છે તે બહિરાત્મા છે.
જેમ દારૂ પીવાથી જે બધી ચેષ્ટાઓ થાય તેને તે પોતાની માને, તેમ કર્મના
સંયોગથી થયેલ ચેષ્ટાઓ-વિકાર અને પર તે બધાને મિથ્યાત્વના દારૂને લઈને તે
પોતાની માને છે. ભગવાન આત્મા તો જ્ઞાન-દર્શન-આનંદનું ધામ છે. પૂરણ જ્ઞાન,
દર્શન આનંદનું ધામ છે-એવા આત્માને ન શ્રદ્ધતો, એવડી મોટી સત્તાને ન સ્વીકારતો
અલ્પ અવસ્થાને ને બાહ્યચીજને માનતો થકો મિથ્યાદર્શનથી મોહિત થઈને ત્યાં પડયો
છે તે બહિરાત્મા છે. અંર્તસ્વભાવની પ્રતીત નથી ને બાહ્યની પ્રતીત છે તેને બહિરાત્મા
કહે છે.
અંર્તસ્વભાવ મહાન પરમાત્મસ્વરૂપ છે, એની શ્રદ્ધા ને જ્ઞાન કરતો નથી,
પોતાના પરમાત્મા-ધ્રુવસ્વરૂપને જાણતો નથી ને મિથ્યાદર્શનથી બાહ્યમાં મોહિત થયો છે
તેને ભગવાને બહિરાત્મા કહ્યો છે. પુણ્યની ને પાપની સામગ્રી ઓછી-વધતી મળે,
અંદર શુભાશુભભાવ ઓછા-વધતા થાય, પરના પક્ષે જ્ઞાનનો ઓછા વધતો ઉઘાડ થાય,
એને જ આત્મા માને છે પણ અંદરમાં પોતાના પરિપૂર્ણ પરમેશ્વર પરમાત્મસ્વરૂપને
સ્વીકારતો નથી, આદર કરતો નથી, વલણ કરતો નથી તે બહિરાત્મા છે. તે બહિરાત્મા
વારંવાર ફરીને સંસારમાં ભમશે. અનંત કાળથી તો ભમ્યો છે ને એ બર્હિબુદ્ધિથી ફરી
ફરીને સંસારમાં રખડશે.
આત્મામાં એકકોર પરમાત્માનો પિંડલો દ્રવ્યવસ્તુ છે પોતે, ને એકકોર એની
વર્તમાન દશામાં અલ્પજ્ઞતા, અલ્પદર્શન, અલ્પવીર્ય, વિપરીતતા, સંયોગની અનુકૂળતા-
પ્રતિકૂળતા છે; પોતાને માનતો નથી તેથી આ બધાને પોતાના માને છે તેનું નામ
મિથ્યાદ્રષ્ટિ બહિરાત્મા કહેવામાં આવે છે એ બહિરાત્મા મિથ્યાદ્રષ્ટિ ફરી ફરીને ચાર
ગતિમાં રખડવાના ભાવવાળો છે. ૭.
जो परियाणइ अप्पु परु जो परभाव चएइ ।
सो पंडिउ अप्पा मुणहु सो संसारु मुएइ ।। ८।।
પરમાત્માને જાણીને, ત્યાગ કરે પરભાવ;
તે આત્મા પંડિત ખરો, પ્રગટ લહે ભવપાર. ૮.