Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 17 of 238
PDF/HTML Page 28 of 249

 

background image
પરમાત્મા] [૧૭
નથી, સ્વભાવને જાણ્યા વિના આ પરભાવ ભિન્ન છે એમ પરભાવ શી રીતે છૂટે?
પોષા, પ્રતિક્રમણમાં સામાયિકના નામ ધરાવીને બેઠો પણ પૂરણ શુદ્ધ સ્વરૂપ અખંડ
આત્માનો અંદર શ્રદ્ધામાં આદર નથી ત્યાં તેને દયા-દાન આદિ વિકલ્પ ઊઠે એ પરનો
જ એકલો આદર વર્તે છે તેથી તેને એકલો પરમાત્માનો જ ત્યાગ વર્તે છે, તેને પરમ
સ્વભાવનો ત્યાગ વર્તે છે.
જ્ઞાનીને ચક્રવર્તીનું રાજ્ય હો કે ઇન્દ્રના ઇન્દ્રાસન હો, પણ અંતરમાં સ્વભાવની
અધિકતાની મહિમામાં બહારના પદાર્થો ને તેના કારણો શુભાશુભભાવ તે બધાનો
દ્રષ્ટિમાં ત્યાગ છે. તેથી તે તીર્થંકરગોત્ર બંધાય એ ભાવથી લાભ માનતો નથી. જે
ભાવનો દ્રષ્ટિમાં ત્યાગ વર્તે છે તેનાથી લાભ માને શી રીતે? સ્વરૂપમાં એકાગ્ર થઈશ
તો લાભ થશે એમ માને છે.
દ્રવ્યલિંગી નગ્ન મુનિ થઈને બેઠો હોય છતાં એક અંશનો ત્યાગ નથી તેને ત્યાગ
હોય તો અંદર એક માત્ર પરમાત્માનો ત્યાગ છે, તેને ચૌદ બ્રહ્માંડનો ભોગ છે. રાગના
એક કણનો આદર છે તેને આખા ચૌદ બ્રહ્માંડનો ભોગ છે.-આવી વસ્તુસ્થિતિ છે
બાપુ!
પરભાવને જે દ્રષ્ટિમાંથી છોડે છે, શ્રદ્ધામાં આત્મસ્વરૂપ પકડીને જ્ઞાનમાં આત્માને
પ્રત્યક્ષ કર્યો છે તે અંતરાત્મા સંસારથી છૂટી જશે. બહિરાત્મા બાહ્ય ચીજને-કર્મની
સામગ્રીને પોતાની માને છે તે સંસારમાં રખડશે કારણ કે તેની દ્રષ્ટિમાંથી સ્વભાવની
અધિકતા છૂટી ગઈ છે, ને બહારની અધિકતા દ્રષ્ટિમાંથી જતી નથી તેથી તે નવા કર્મો
બાંધશે ને ચાર ગતિમાં રખડશે. અંતરાત્મા તો શુભાશુભ રાગના અભાવસ્વભાવ
સ્વરૂપ પૂરણ જ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ કરતો થકો-ચોથા ગુણસ્થાનથી આત્માનો
અનુભવ કરતો થકો ‘પ્રગટ લહે ભવપાર’ શુદ્ધ ચૈતન્યવસ્તુનો અનુભવ કરનાર,
પરભાવનો ત્યાગ કરનાર ક્રમે ક્રમે સંસારને મૂકી દેશે, તેને સંસાર રહેશે નહીં-એવા
જીવને પંડિત, જ્ઞાની, વીર ને શૂરવીર કહેવામાં આવે છે. ૮.
णिम्मलु णिक्कलु सुद्धु जिणु विण्हु बुद्धु सिव संतु ।
सो परमप्पा जिण–भणिउ एहउ जाणि णिमंतु ।। ९।।
નિર્મળ, નિકલ, જિનેન્દ્ર, શિવ, સિદ્ધ, વિષ્ણુ, બુદ્ધ, શાંત;
તે પરમાત્મા જિન કહે, જાણો થઈ નિર્ભ્રાન્ત.
૯.
બહિરાત્મા ને અંતરાત્માનું સ્વરૂપ કહીને હવે પરમાત્માનું સ્વરૂપ કહે છે. રાગ-
દ્વેષના ભાવ રહિત પરમાત્મા છે. અંતરાત્માને રાગ-દ્વેષ ભિન્ન પડયા હતા પણ છૂટયા
ન હતા, દ્રષ્ટિમાંથી એકત્વબુદ્ધિમાંથી રાગ-દ્વેષ છૂટયા હતા પણ સ્થિરતા દ્વારા પૂરણ
છૂટયા ન હતા, એ રાગાદિ પરમાત્માને પૂરણ છૂટી ગયા છે, આઠ કર્મના રજકણને ને
પુણ્ય-પાપના મલિનભાવને પરમાત્માએ છોડયા છે.