૨૨] [હું
देहादिउ जे परि कहिया ते अप्पाणुं ण होहिं।
इउ जाणेविणु जीव तुहुं अप्पा अप्प मुणेहि ।। ११।।
દેહાદિક જે પર કહ્યાં, તે નિજરૂપ ન થાય;
એમ જાણીને જીવ તું, નિજરૂપને નિજ જાણ. ૧૧
બહુ ટૂંકા શબ્દોમાં એકલો માલ ભરી દીધો છે. આ તો એકલું માખણ તારવીને
મૂક્યું છે. શુભાશુભભાવ, વ્યવહાર આચરણ, ક્રિયા, દેહ-વાણી-મન એ બધા આત્મા
થઈ શકતા નથી. જ્ઞાનમૂર્તિ પ્રભુથી ભિન્ન્ન જે પદાર્થ કહ્યાં તે આત્મા થઈ શકતા નથી,
તે અણાત્માપણે બહાર રહે છે. આત્મા જે સ્વભાવ સ્વરૂપે છે તેમાં તે પદાર્થો આવી
શકતા નથી, તે પદાર્થો આત્માપણે થઈ શકતા નથી. શુદ્ધ જ્ઞાનની મૂર્તિ ચૈતન્યસૂર્ય
પ્રભુરૂપે પુણ્ય-પાપના ભાવ કે શરીર થઈ શકતા નથી. દેહાદિ જે બાહ્ય કહ્યાં તે આત્મા
થઈ શકતા નથી; માને તો એ માન્યતા બહિરાત્માની થઈ, પરંતુ એ બાહ્ય પદાર્થો
આત્મા થઈ જતા નથી.
એક રાગનો કણ-શુભરાગનો સૂક્ષ્મ કણ ને રજકણ એ આત્મા થઈ શકતા નથી.
દયા-દાનનો વિકલ્પ હો કે પરમાણુ રજકણ હો, એ પર પદાર્થ કાંઈ આત્મા થઈ શકતા
નથી. રાગ વિભાવ એ સ્વભાવ થઈ શકે? રજકણ અજીવ એ જીવ થઈ શકે?
સ્ફટિકની સાથે રાતા-પીળા ફૂલ પડયાં હોય તો એ ફૂલ કાંઈ સ્ફટિક થઈ જાય? અને
સ્ફટિકમાં રાતી-પીળી ઝાંય દેખાય એ ઝાંય કાંઈ સ્ફટિકરૂપે થઈ જાય?
જેમ નિર્મળતા રે સ્ફટિક તણી, તેમ જ જીવ સ્વભાવ રે...
શ્રી જિન વીરે ધર્મ પ્રકાશિયો, પ્રબળ કષાય અભાવ રે...
જેમ સ્ફટિક નિર્મળ પિંડ છે, તેમ ભગવાન આત્મા નિર્મળ જ્ઞાન ને આનંદનો
પિંડ છે. જેમ સ્ફટિકની જોડે લાલ-પીળા ફૂલ હોય એ ફૂલ કાંઈ સ્ફટિક થઈ જતાં હશે?
અને જે લાલ-પીળી ઝાંય પડી તે સ્ફટિકપણે થાય? તેમ ભગવાન આત્માથી બાહ્ય જે
પદાર્થ તે આત્મા થઈ શકતા નથી. પુણ્યા-પાપના વિકલ્પો ને શરીરાદિ બાહ્ય પદાર્થ
સ્ફટિક જેવા નિર્મળાનંદ ભગવાન આત્મારૂપે થઈ શકતા નથી. ભગવાન આત્મારૂપે
કોણ થઈ શકતા નથી?-કે વિભાવ શરીર ને વાણી આત્મારૂપે થઈ શકતા નથી.
વળી તે પદાર્થો રૂપે આત્મા થઈ શકતો નથી. આ દેહાદિ તો રજકણ માટી છે,
અંદર શુભાશુભ ભાવ છે તે રાગ છે; તે રાગ આત્મારૂપે થઈ શકે? અને આત્મા
રાગાદિરૂપે થઈ શકે? આહાહા! પરભાવે ભૂલ્યો રે આત્મા...પરભાવના મોહમાં ભગવાન
પોતે પોતાને ભૂલી ગયો...કહે છે કે સચ્ચિદાનંદ પ્રભુ આત્મા શું કાંઈ વિભાવરૂપે થાય?
એ આત્મા શું કાંઈ શરીરરૂપે થાય? એ આત્મા શું કાંઈ વાણીરૂપે થાય? વિભાવના
વિકલ્પમાં આત્મા આવે તો એ રૂપે થાય ને? વિભાવના વિકલ્પમાં કાંઈ આત્મા આવે?
વાણીમાં કાંઈ આત્મા આવે? શુભભાવના વિકલ્પમાં જો આત્મા આવે તો આત્મા
શુભભાવરૂપે થઈ જાય. પણ આત્મા એમાં આવે નહીં. કેમ કે વિભાવ એ તો બાહ્યચીજ
છે, તેથી વિભાવ તે સ્વભાવ ન થાય ને સ્વભાવ તે વિભાવ ન થાય.