Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 24 of 238
PDF/HTML Page 35 of 249

 

background image
૨૪] [હું
સ્વભાવવાળો સમજશે તે નિર્વાણને પામશે. જેણે આત્મા જાણ્યો, તેમાં દ્રષ્ટિ માંડી ને
એકાકાર થઈ તે પૂર્ણાનંદરૂપી નિર્વાણ ને મુક્તિ પામશે.
જો તું ભગવાન આત્માને અંદર જ્ઞાનાનંદ ચૈતન્યસૂર્ય આત્મા તરીકે જાણ ને
સમજ, તો છૂટા તત્ત્વને છૂટું જાણતાં અલ્પકાળમાં તદ્ન છૂટું જે નિર્વાણપદ તેને પામશે.
એમાં ને એમાં ઘોલન કરતાં નિર્વાણને પામશે, આત્મા ચૈતન્યજ્યોત જ્ઞાયક છે એમ
જાણ્યું ને એમાં ને એમાં સ્થિર થશે એટલે વિતરાગતાને પામશે; વચ્ચે વ્યવહાર આવશે
એની અહીં વાત પણ કરી નથી.
પુણ્ય-પાપના વિકલ્પ વિનાની ચીજ તે ભગવાન આત્મા એમ જાણ્યું એટલે
બસ! પછી એમાં ને એમાં દ્રષ્ટિ ને સ્થિરતા કરતાં નિર્વાણને પામશે. આહાહા! ચૈતન્ય
પ્રભુ, ચૈતન્યપ્રકાશની મૂર્તિ! પ્રકાશનો પ્રકાશક; રાગનો, જડનો પ્રકાશક આત્મા અને
પોતાના સ્વરૂપનો પણ પ્રકાશક એવો પ્રકાશક સ્વરૂપ ભગવાન આત્મા જાણ્યો કે હું તો
સ્વપરનો પ્રકાશક પ્રકાશનો પુંજ આત્મા છું-એમ જાણીને તેમાં જ સ્થિરતા કરતાં કરતાં
નિર્વાણને પામશે.
હવે તેનાથી ઊલટી વાત કહે છેઃ
‘પરરૂપ માને આત્માને, તો ભવભ્રમણ ન જાય.’
આત્મા સિવાય કર્મ, શરીર, ઉદયભાવ આદિ પરભાવને મલિનભાવને, ક્ષણિક
વિકારી ભાવને જે આત્મા માનશે કે આ અસ્તિત્વમાં હું છું-તે તેનાથી છૂટશે નહીં
એટલે સંસારમાં રખડશે. આત્માને આત્મા જાણે તો મુક્તિ ને આત્માને પરરૂપે જાણે તો
સંસારભ્રમણ, વિકાર તે સંસાર છે, વિકારને પોતારૂપે માનશે તો એમાં ને એમાં રહેશે,
વિકારમાં ને વિકારમાં રહેશે, સંસારમાં ને સંસારમાં રહેશે.
વિકારને શરીરને, કર્મને-જે તારા સ્વરૂપમાં નથી તેના અસ્તિત્વમાં જો તારું
અસ્તિત્વ માન્યું તો બસ! એ છૂટશે નહીં. છૂટશે નહીં એનું નામ જ સંસાર!-એમ
મુક્તિ અને સંસારની બન્ને વાત એક ગાથામાં સમાવી દીધી.