પરમાત્મા] [૩૯
એ આત્માને ઉપાદેય તરીકે શ્રદ્ધા, જ્ઞાનમાં ગ્રહણ કરે ને રાગાદિને હેય જાણે-એવો ધર્મ
ગૃહસ્થાશ્રમમાં થઈ શકે છે.
શરીર-વાણી ને મનની જે ક્રિયા થવા કાળે થાય છે, તે તો ચૈતન્યના સત્ત્વમાં
નથી ને ચૈતન્ય તેનો કર્તા નથી ને ગૃહસ્થાશ્રમમાં તેનું જ્ઞાન થઈ શકે છે કે આ લક્ષ
કરવા લાયક નથી. ગૃહસ્થાશ્રમમાં જે ધંધાદિના પરિણામ થાય તેનાથી અધિકપણે અંદર
અનંતગુણનું ધામ આત્મા બિરાજે છે, તેને ઉપાદેય તરીકે સ્વીકારીને રાગાદિને હેય
તરીકે સ્વીકારી શકાય છે, પણ પછી એને ધંધાદિમાં રસ ન રહે હો!
પણ ધંધામાં રસ ન રહે તો પૈસા શી રીતે કમાય?
ધંધામાં રસ હોય તો પૈસા કમાય કે પુણ્યને લઈને કમાય? પુણ્ય હોય તો પૈસા
મળે. અહીં તો કહે છે કે બે વાત છે. એક તું પોતે ને બીજો તારાથી વિરુદ્ધ વિકારનો
ભાવ. ધંધાદિના વિકારી પરિણામ વખતે આત્મા ક્યાંય ચાલ્યો ગયો નથી. ધંધાદિના
પરિણામ દુઃખરૂપ છે, હેયરૂપ છે, આદરવાયોગ્ય નથી-એમ એણે જ્ઞાન કરવું જોઈએ
અને એનાથી રહિત ત્રિકાળી જ્ઞાયકમૂર્તિ ચિદાનંદ શુદ્ધ આત્મા છું, એનો અંતર્મુખ થઈને
આદર કરવો જોઈએ. આટલું તો ગૃહસ્થાશ્રમમાં રહીને પણ થઈ શકે છે-એમ કહે છે.
ગૃહસ્થાશ્રમમાં પણ છૂટેલું જ્ઞાયક તત્ત્વ તું છો, તેના સાધન વડે છૂટવાનો ઉપાય
થઈ શકે છે એટલે કે ધંધાદિના પરિણામ ને બાહ્ય ક્રિયામાં રહેવાથી આ ન થઈ શકે
એમ છે નહીં. પરંતુ નનૂર થઈને એણે એની કિંમત કદી કરી નથી. વસ્તુ તરીકે તું
જિનસ્વરૂપે જ છો. પરંતુ એનામાં જે છે એને દ્રષ્ટિમાં ન લે અને જે વસ્તુમાં નથી
એવા રાગાદિને દ્રષ્ટિમાં લે-વસ્તુ છે છતાં તેને ભૂલીને એ ભાવ કરે તો અજ્ઞાન
કરવામાં પણ જીવ સ્વતંત્ર છે. જ્ઞાનાનંદમૂર્તિ વસ્તુનો અંતરમાં સ્વીકાર કરીને આ
આત્મા તે હું-એમ સ્વીકાર થતાં પછી જે વિકલ્પ ઊઠે તે તેના સ્વરૂપમાં ન હોવાથી
તેને હેય જાણીને ગૃહસ્થાશ્રમમાં હેયાહેયનું જ્ઞાન કરી શકે છે.
સિદ્ધ સમાન સદા પદ મેરો-સિદ્ધ સમાન તારું આત્મતત્ત્વ છે પણ એની તને
ખબર નથી ને કહે કે મારે ધર્મ કરવો છે, પણ ક્યાંથી ધર્મ થાય? ધર્મ કરનાર ધર્મી
મહાન પદાર્થ છે એવી ઉપાદેય બુદ્ધિ ગૃહસ્થાશ્રમમાં કરે તો ધર્મ થઈ શકે છે. એનો અર્થ
એ થયો કે ભગવાન આત્મા ગૃહસ્થાશ્રમમાં ધંધાદિની પર્યાયમાં હો કે બાહ્ય ક્રિયામાં
નિમિત્ત તરીકે ઉપસ્થિતિ દેખાતી હો છતાં તેને હેય જાણી પોતાના શુદ્ધ આનંદસ્વરૂપ
આત્માને ઉપાદેય જાણી અંતરના આનંદમાં વર્તી શકે છે, ગૃહસ્થાશ્રમમાં પણ અંતરમાં
આનંદસ્વરૂપનો સ્વીકાર કરી શકે છે, રાગને હેય કરી શકે છે અને કોઈ કોઈ કાળે તે
આનંદના અનુભવમાં વર્તી શકે છે. પણ વાત એમ છે કે એનો આત્મા કેવડો છે એની
એને ખબર નથી.
ગૃહસ્થ એટલે ગૃહમાં રહેલો એટલે કે ધંધાદિમાં રહેલો જીવ, પણ એ વખતે પણ
આત્મા તો મોજૂદ છે ને! જેમાં અનંત સિદ્ધ પરમાત્મા બિરાજે છે એવા પૂર્ણાનંદનો નાથ
તો ધંધાદિના કાળે પણ મોજૂદ છે ને! તો એવા આત્માને દ્રષ્ટિમાં ઉપાદેય કરીને,
ધંધાદિના કે દયા-દાન આદિના રાગ હોય છે એમ દ્રષ્ટિમાં રાગનો ત્યાગ ને શુદ્ધાત્માનો
આદર કરી શકે છે.