Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 40 of 238
PDF/HTML Page 51 of 249

 

background image
૪૦] [હું
દ્રષ્ટિમાં પૂર્ણ આત્માનો સ્વીકાર થતાં પરમેશ્વરનો સ્વીકાર થયો ને હેય એવા
રાગાદિ હોવા છતાં દ્રષ્ટિમાં તેનો ત્યાગ થઈ ગયો. આ રીતે ગૃહસ્થાશ્રમમાં દ્રષ્ટિમાં
રાગના ત્યાગરૂપ ને સ્વભાવના આદરરૂપ ધર્મ થઈ શકે છે. પરંતુ પૈસાદિમાં લાભ માને
તેને સ્વભાવનો લાભસ્વભાવનો સ્વીકાર શી રીતે થઈ શકે? એક બાજુ પૈસાની
મમતાનો ભાવ ને બીજી બાજુ સમતાનો પિંડ સ્વભાવ! મમતાના કાળે પણ સમતાનો
પિંડ પ્રભુ ક્યાંય ચાલ્યો ગયો નથી, માત્ર સમતાના પિંડનો સ્વીકાર ને મમતાનો
અસ્વીકાર કરવો જોઈએ; તો ગૃહસ્થાશ્રમમાં પણ ધર્મ થાય.
* ધ્યાવે સદા જિનેશપદ *
રાત-દિવસ જિનેન્દ્રદેવનું ધ્યાન કરે છે. જિનેન્દ્ર એટલે વિતરાગ; અંદર
વિતરાગની લગની લાગી છે. જિનેન્દ્ર એટલે વિતરાગી આત્મા. વીતરાગી ભગવાન ને
વસ્તુમાં કાંઈ ફેર નથી. સમકિતી ગૃહસ્થાશ્રમમાં ધંધામાં પડયો હોય, હજારો રાણીઓના
વૃંદમાં પડયો હોય છતાં રાત-દિન જિનેન્દ્રદેવનું ધ્યાન કરે છે. વીતરાગ...
શુદ્ધ...શુદ્ધ...સ્વભાવ આદરણીય છે, અશુદ્ધતા આદરણીય નથી. આવું જો સમકિતીને ન
હોય તો સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન જ ન હોય.
પરને પર તરીકે, હેય તરીકે જાણ્યા વિના ઉપાદેય તરીકે ચિદાનંદ ભગવાન
આત્માનું જ્ઞાન યથાર્થ થઈ શકે નહીં. ઉપાદેય તરીકે આત્માને આદરણીય જાણ્યો એટલે
રાગાદિ હેય તરીકે વર્તે એટલે તેમાં લાભનું કારણ કેમ માને? એ તો નુકશાનનું કારણ
છે, શુભાશુભભાવ થાય પણ તે નુકશાનનું કારણ છે.
મોક્ષ સાધનનો મોટો ભાગ મુનિ કરે પણ ગૃહસ્થાશ્રમમાં એકદેશ તો સાધન થઈ
શકે છે. મોટા ભાગનું સાધન મુનિ કરે, મુનિ એટલે? બહારના ત્યાગી એટલે મુનિ-
એમ નથી. શુદ્ધ ચિદાનંદના ભાનપૂર્વક તેમાં ખૂબ ઠરે ને ખૂબ આનંદને વેદે તે મુનિ; તે
મોક્ષના મોટા ભાગનું સાધન કરે. પરંતુ મોક્ષના માર્ગનો નાનો ભાગ તો ગૃહસ્થને મળે
એમ છે હો!
જ્યાં એકલો પૂર્ણાનંદનો નાથ ચૈતન્યપ્રભુ દ્રષ્ટિમાં પડયો છે ત્યાં આખા
સંસારનોઉદય ભાવનો દ્રષ્ટિમાં ત્યાગ વર્તે છે, આત્માનો આદર થયો ને મિથ્યાત્વનો
ત્યાગ થયો ત્યાં તે મોટો ત્યાગી થઈ ગયો. આવા ત્યાગ વિના બહારની ક્રિયાને ત્યાગ
કહે ને દયા-દાનના ભાવથી મને લાભ થાય એમ માનનાર ત્યાગીએ આખા આત્માનો
જ ત્યાગ કર્યો છે. એણે રાગનો ત્યાગ કર્યો નથી પણ ત્યાગ કર્યો છે પોતાના
આત્માનો. જ્ઞાનીએ તો જે ભાવે તીર્થંકરગોત્ર બંધાય તે રાગનો પણ દ્રષ્ટિમાંથી ત્યાગ
કર્યો છે.
પ્રભુ અંતરમાં બિરાજે છે ને તેનું સાધન પણ દૂર-રાગમાં નથી પણ નજીકમાં
અંતરમાં છે. અંતરમાં એકાગ્ર થવું તે એનું સાધન છે. આવા સાધનને ને સાધનના
ધ્યેયને ન જાણે તેને આ હેય ને આ ઉપાદેય એમ જ્ઞાનમાં વર્તતું નથી. તેથી તેને
દ્રષ્ટિમાં આત્માનો ત્યાગ વર્તે છે પણ દ્રષ્ટિમાં રાગનો ત્યાગ વર્તતો નથી.