Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 46 of 238
PDF/HTML Page 57 of 249

 

background image
૪૬] [હું
પામે-સાદિ અનંતકાળ રહે એવું કેવળજ્ઞાન ક્ષણ એકમાં પામે એવો આત્મા પોતે છે,
પણ એની સામે એણે કદી જોયું નથી.
ભગવાન આત્માને રુચિમાં લઈ, જ્ઞાનમાં એને જ્ઞેય બનાવીને, તેનું સ્મરણ,
ચિંતવન કરે ને તેમાં ઠરે તો ક્ષણમાં કેવળજ્ઞાન પામે અને સમ્યગ્દર્શન, જ્ઞાન ને
ચારિત્રના અંશમાં જેટલો સ્વરૂપમાં ઠરે એટલો આનંદનો સ્વાદ આવે. એ આનંદના
સ્વાદીયા સમ્યગ્દ્રષ્ટિ જગતને એમ જુએ છે કે અહો! આ બધા પરમાત્મા પ્રભુ છે,
એની ભૂલ છે તે એક સમયની છે. તેથી કોઈ આત્મા પ્રત્યે સમ્યગ્દ્રષ્ટિને વિષમભાવ
થતો નથી. બધા આત્માઓ પરમાત્મસ્વરૂપે પરમાત્મા છે. એક સમયની વિકૃત દશા છે,
એ વિકૃત દશાને જેણે સ્વભાવના આશ્રયે તોડીને જિનેન્દ્રસ્વરૂપે પોતે છે એમ જાણ્યો-
માન્યો એ બધા આત્માને એવા જ સ્વભાવે જુએ છે એટલે કોને કહેવા નાના ને કોને
કહેવા મોટા?
જેની શ્રદ્ધામાં વીતરાગ સ્વભાવી આત્માની કિંમત થઈ છે ને વારંવાર એ કિંમતી
ચીજને યાદ કરીને સ્મરણ કરીને ઠરે છે. તે જો અલ્પકાળ ઠરે તો તેટલો આનંદ આવે છે
ને વિશેષ ઠરે તો અલ્પકાળમાં કેવળજ્ઞાન પામે છે, ક્ષણમાત્રમાં પરમાત્મા થઈ જાય.
વીતરાગ સ્વરૂપ પરિપૂર્ણ ભગવાન આત્મા છે એમ વિશ્વાસ કરે, મારું પરમપદ
નિજાનંદસ્વરૂપે ત્રિકાળ બિરાજમાન છે એવો જેને અંતર રુચિપૂર્વક જ્ઞાન થઈને વિશ્વાસ
આવ્યો ને એની જ્યાં લગન લાગી ને અંદર ઠર્યો ત્યાં ક્ષણમાં પરમાત્મા! સાદિ અનંત
સિદ્ધ દશા! પરમાત્મા સમાન છું...પરમાત્મા સમાન છું... પરમાત્મા છું...પરમાત્મા છું...-
એમ ધ્યાન કરતાં કરતાં પરમાત્મા પોતે થઈ જાય છે. હું રાગી છું...હું રાગી છું...હું
રાગનો કર્તા છું-એમ કરતાં કરતાં મૂઢ થઈ જાય છે. રાગનો કર્તા ને પરનો કર્તા
આત્મા નથી, જો કર્તા હોય તો તન્મય થઈ જાય. પણ એ રૂપે આત્મા થયો જ નથી.
એવો ભગવાન આત્મા વીતરાગ સ્વરૂપી પરમપદનું કારણ છે. ૧૯.
હવે કહે છે કે પોતાના આત્મામાં ને જિનેન્દ્રમાં ફેર નથી. એક સમયની દશામાં
વિકાર છે એ કાંઈ અસલી આત્મા નથી. એક સમયની અલ્પજ્ઞ દશા, વર્તમાન પર્યાય
ને રાગ એ કાંઈ આત્માનું અસલી સ્વરૂપ નથી. એ તો વિકૃત ને અપૂર્ણરૂપ છે.
ભગવાન આત્મામાં એક સમયમાં ત્રણ પ્રકાર છે. પુણ્ય-પાપની વિકૃત દશા અને
તેનાથી મને લાભ થાય એવી ભ્રાંતિ એ એક પ્રકાર છે તેને જાણનારી વર્તમાન પર્યાય
અલ્પજ્ઞતા તે બીજો પ્રકાર છે અને એ વિકૃત તથા અલ્પજ્ઞદશા વખતે જ પૂરણ શુદ્ધ
પવિત્ર સર્વજ્ઞ સ્વરૂપ તે ત્રીજો પ્રકાર છે. એક સમયની પર્યાયમાં અલ્પજ્ઞતા છે ત્યારે
પોતે સર્વજ્ઞ છે, પર્યાયમાં જ્યારે રાગાદિ ભાવ છે ત્યારે પોતે વીતરાગનું બિંબ છે.
આવો આત્મા-સર્વજ્ઞ સ્વરૂપી વીતરાગ બિંબ ભગવાન આત્મા અને જિનેન્દ્રમાં ભેદ
નથી. જિનેન્દ્ર ભગવાનના દ્રવ્ય ને ગુણ શુદ્ધ છે અને એવા જ મારા દ્રવ્ય-ગુણ શુદ્ધ છે,
જિનેન્દ્ર દેવની પર્યાય અપૂર્ણની પૂર્ણ થઈ ગઈ ને વિકારની અવિકારી વીતરાગી પર્યાય
થઈ ગઈ-એ પોતાના ત્રિકાળ પરમાત્મસ્વરૂપના આશ્રયે થઈ છે અને એવી જ સર્વજ્ઞતા
ને વીતરાગતા મારા ત્રિકાળી સ્વરૂપમાં પડી છે.