Hoon Parmatma (Gujarati). Pravachan: 11.

< Previous Page   Next Page >


Page 64 of 238
PDF/HTML Page 75 of 249

 

background image
૬૪] [હું
[પ્રવચન નં. ૧૧]
નિઃસંદેહ જાણઃ
ત્રિલોકપૂજ્ય પરમાત્મા હું પોતે જ છું
[શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૧૭-૬-૬૬]
આ યોગસાર ચાલે છે. શુદ્ધ ચૈતન્યમય અનંત ગુણનો પિંડ આત્મસ્વભાવ તેમાં
એકાગ્ર થઈને તેનું ધ્યાન કરવું તે મોક્ષના માર્ગનો સાર છે, તે યોગસાર છે. આત્માનું
સ્વરૂપ શુદ્ધ ચૈતન્યમય છે, તેની સન્મુખ થઈને એકાગ્રતાથી આત્મસ્વભાવનો વેપાર તે
જ સાર અને મોક્ષનું કારણ છે. તેમ અહીં ૨૬ મી ગાથામાં કહે છે કેઃ-
सुद्धु सचेयणु बुद्धु जिणु केवल–णाण–सहाउ ।
सो अप्पा अणुदिणु मुणहु जइ चाहहु–सिव–लाहु ।। २६।।
શુદ્ધ, સચેતન, બુદ્ધ, જિન, કેવળજ્ઞાનસ્વભાવ;
એ આતમ જાણો સદા, જો ચાહો શિવલાભ. ૨૬.
આત્માના પૂરણ આનંદની પૂરણ અતીન્દ્રિય દશારૂપી મુક્તિના લાભને એટલે કે
પૂરણ કલ્યાણમૂર્તિ આત્માની શિવ-કલ્યાણમય પૂરણ નિર્મળ પર્યાયની પ્રાપ્તિને જો કોઈ
ચાહતું હોય તો શુદ્ધ વીતરાગ પૂરણ પવિત્ર પરમાત્મસ્વરૂપ આત્માને દિન-રાત
અનુભવવો. આ આત્મા અત્યારે શુદ્ધ છે એમ અનુભવવો-એ મોક્ષલાભના કામીનું
કર્તવ્ય છે.
વીતરાગ, કલ્યાણમૂર્તિ આત્માની શુદ્ધ પરિપૂર્ણ પ્રગટ પર્યાયરૂપ મુક્તિના લાભને
જો તું ઈચ્છતો હો તો પૂરણ શુદ્ધ, પૂરણ શુદ્ધ, વીતરાગ નિર્દોષ સ્વભાવ ભગવાન
આત્માને તારે અનુભવવો, શિવલાભનો હેતુ આ છે. મોક્ષાર્થીને શું કરવા જેવું છે? ને
શું કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે?-કે શુદ્ધ ભગવાન પૂરણ ચૈતન્ય પ્રભુનું અંતર ધ્યાન
ને અનુભવ કરવો, એને અનુસરીને અંદર ઠરવું એ એક જ મુક્તિનો ઉપાય છે અને
એ જ મોક્ષાર્થીનું કર્તવ્ય છે.
ભગવાન આત્મા જ્ઞાનમૂર્તિ છે, જ્ઞાનચેતનામય છે, પુણ્ય-પાપને કરું એવી
કર્મચેતના કે હરખ-શોકને ભોગવું એવી કર્મફળચેતના એના સ્વભાવમાં નથી. વસ્તુ તો
ચેતનામય છે, જ્ઞાનચેતનાને વેદે એવું એનું સ્વરૂપ છે. જ્ઞાનને વેદે, જ્ઞાનને અનુભવે,
જ્ઞાનના આનંદના સ્વાદને લે એવો જ આત્મા છે. પુણ્ય-પાપના સ્વાદને લે કે હરખ-
શોકના સ્વાદને લે એવો આત્મા છે જ નહિ. વસ્તુ ચેતનામય છે એટલે પરને કરે કાંઈ
કે પરથી લે કાંઈ એવું એનું સ્વરૂપ નથી, તેમ જ રાગને કરે કે રાગને વેદે એવું પણ
એનું સ્વરૂપ નથી.