શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૧૫૩
પાંચમો અધયાય
૫૫૮ પ્ર. પદાર્થોને જાણવાના કેટલા ઉપાય છે?
ઉ. ચાર ઉપાય છેઃ – ૧ લક્ષણ, ૨ પ્રમાણ, ૩ નય
અને ૪ નિક્ષેપ.
૫૫૯ પ્ર. લક્ષણ કોને કહે છે?
ઉ. ઘણાં મળેલા પદાર્થોમાંથી કોઈ એક પદાર્થને
જુદો કરનાર હેતુને લક્ષણ કહે છે. જેમકેઃ – જીવનું લક્ષણ
ચેતના.
૫૬૦ પ્ર. લક્ષણના કેટલા ભેદ છે?
ઉ. બે ભેદ છેઃ – એક આત્મભૂત, બીજો અનાત્મભૂત.
૫૬૧ પ્ર. આત્મભૂતલક્ષણ કોને કહે છે?
ઉ. જે લક્ષણ વસ્તુના સ્વરૂપમાં મળેલું હોય,
જેમકે – અગ્નિનું લક્ષણ ઉષ્ણપણું.
૫૬૨ પ્ર. અનાત્મભૂતલક્ષણ કોને કહે છે?
ઉ. જે લક્ષણ વસ્તુના સ્વરૂપમાં મળેલું ન હોય,
જેમકે દંડી પુરુષનું લક્ષણ દંડ.
૫૬૩ પ્ર. લક્ષણાભાસ કોને કહે છે?
ઉ. જે લક્ષણ સદોષ હોય.
૫૬૪ પ્ર. લક્ષણના દોષ કેટલા છે?
ઉ. ત્રણ છેઃ – અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ.
૫૬૫ પ્ર. લક્ષ્ય કોને કહે છે?
ઉ. જેનું લક્ષણ કરવામાં આવે, તેને લક્ષ્ય કહે છે.
૫૬૬ પ્ર. અવ્યાપ્તિદોષ કોને કહે છે?
ઉ. લક્ષ્યના એક દેશમાં (એકભાગમાં) લક્ષણનું રહેવું
તેને અવ્યાપ્તિ દોષ કહે છે. જેમકે પશુનું લક્ષણ શીંગડું.
૫૬૭ પ્ર. અતિવ્યાપ્તિદોષ કોને કહે છે?
ઉ. લક્ષ્ય તેમજ અલક્ષ્યમાં લક્ષણનું રહેવું, તેને
અતિવ્યાપ્તિ દોષ કહે છે. જેમકે ગાયનું લક્ષણ શીંગડાં.
૫૬૮ પ્ર. અલક્ષ્ય કોને કહે છે?
ઉ. લક્ષ્ય સિવાયના બીજા પદાર્થોને અલક્ષ્ય કહે છે.
૫૬૯ પ્ર. અસંભવદોષ કોને કહે છે?
ઉ. લક્ષ્યમાં લક્ષણની અસંભવતાને અસંભવદોષ
કહે છે.