૧૬૦ ][ અધ્યાયઃ ૫શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૧૬૧
૬૦૨ પ્ર. વિરુદ્ધહેત્વાભાસ કોને કહે છે?
ઉ. સાધ્યથી વિરુદ્ધ પદાર્થની સાથે જેની વ્યાપ્તિ
હોય, તેને વિરુદ્ધહેત્વાભાસ કહે છે. જેમકે – ‘‘શબ્દ નિત્ય છે,
કેમકે પરિણામી છે’’ આ અનુમાનમાં પરિણામીની વ્યાપ્તિ
અનિત્યની સાથે છે, નિત્યની સાથે નથી, તે માટે નિત્યત્વનો
‘‘પરિણામી હેતુ’’ વિરુદ્ધ હેત્વાભાસ છે.
૬૦૩ પ્ર. અનૈકાન્તિક (વ્યભિચારી) હેત્વાભાસ કોને
કહે છે?
ઉ. જે હેતુ પક્ષ, સપક્ષ, વિપક્ષ એ ત્રણેમાં વ્યાપે,
તેને અનૈકાન્તિક (વ્યભિચારી) હેત્વાભાસ કહે છે. જેમકે –
‘‘આ ઓરડામાં ધૂમાડો છે, કેમકે તેમાં અગ્નિ છે.’’ અહીંયા
અગ્નિ હેતુ પક્ષ, સપક્ષ, વિપક્ષ એ ત્રણેમાં વ્યાપક હોવાથી
અનૈકાન્તિક હેત્વાભાસ છે.
૬૦૪ પ્ર. પક્ષ કોને કહે છે?
ઉ. જ્યાં સાધ્યને રહેવાનો શક હોય. જેમકે ઉપરના
દ્રષ્ટાંતમાં ઓરડો.
૬૦૫ પ્ર. સપક્ષ કોને કહે છે?
ઉ. જ્યાં સાધ્યના સદ્ભાવ (હાજરી)નો નિશ્ચય
હોય. જેમકે – ધૂમાડાનો સપક્ષ લીલાં ઇંધન (બળતણ)થી
મળેલી અગ્નિવાળું રસોઈઘર છે.
૬૦૬ પ્ર. વિપક્ષ કોને કહે છે?
ઉ. જ્યાં સાધ્યના અભાવ (ગૈરમૌજૂદગી)નો નિશ્ચય
હોય. જેમકે અગ્નિથી તપેલો લોઢાનો ગોળો.
૬૦૭ પ્ર. અકિંચિત્કરહેત્વાભાસ કોને કહે છે?
ઉ. જે હેતુ કોઈપણ કાર્ય (સાધ્યની સિદ્ધિ) કરવામાં
સમર્થ ન હોય.
૬૦૮ પ્ર. અકિંચિત્કરહેત્વાભાસના કેટલા ભેદ છે?
ઉ. બે છેઃ – એક સિદ્ધસાધન, બીજો બાધિત વિષય.
૬૦૯ પ્ર. સિદ્ધસાધન કોને કહે છે?
ઉ. જે હેતુનું સાધ્ય સિદ્ધ હોય. જેમકે અગ્નિ ગરમ
છે, કેમકે સ્પર્શ ઇન્દ્રિયથી એવું જ પ્રતીત થાય છે.
૬૧૦ પ્ર. બાધિતવિષયહેત્વાભાસ કોને કહે છે?
ઉ. જે હેતુના સાધ્યમાં બીજા પ્રમાણથી બાધા
(હરકત) આવે.