Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 398

 

background image
લક્ષણોનો સમન્વય સહજ થઈ જાય છે અને તેના ભેદોના સ્વરૂપનો પણ સામાન્ય પરિચય પ્રાપ્ત
થાય છે.
આ રીતે આ ગ્રંથમાં ચર્ચિત બધાય વિષય અથવા પ્રમેય ગ્રંથકર્તાનું વિશાળ અધ્યયન,
અનુપમ પ્રતિભા અને સૈદ્ધાન્તિક અનુભવનું સફળ પરિણામ છે અને તે ગ્રંથકર્તાની જે આંતરિક
ભદ્રતા તેની મહત્તાનું દ્યોતક છે.
આ ગ્રંથની ખાસ વિશેષતા એ છે કે તેમાં ગંભીર તેમ જ દુરૂહ ચર્ચાને અતિ સરળ શબ્દોમાં
અનેક દ્રષ્ટાંત અને યુક્તિઓ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને પોતે જ પ્રશ્ન
ઉઠાવીને તેનો માર્મિક ઉત્તર પણ દીધો છે, જેથી અધ્યેતાને પછી કોઈ સંદેહનો અવકાશ રહે નહિ.
આ ગ્રંથમાં જે કાંઈ વસ્તુવિવેચન છે તે અનેક વિષયો પર પ્રકાશ પાથરનાર, સુસંબદ્ધ, આશ્ચર્યકારક
અને જૈનદર્શનનું માર્મિક રહસ્ય સમજાવવા માટે એક અદ્વિતીય ચાવી સમાન છે, અર્થાત્ આમાં
નિર્ગ્રંથ પ્રવચનનાં ઊંડાં માર્મિક રહસ્યો ગ્રંથકારે ઠામઠામ પ્રગટ કર્યાં છે.
અન્યમતનિરાકરણ વિષે લખવામાં તેમનો હેતુ કાંઈ પરમત પ્રત્યે દ્વેષપરિણતિ કરાવવાનો
નથી, પરંતુ પોતાના અભિપ્રાયમાં તે તે મત સંબંધી જો કાંઈ ધર્મબુદ્ધિરૂપ અભિપ્રાય હોય તો તે
અભિપ્રાય છોડાવવાનો છે. તેઓ પોતે જ આ સંબંધમાં આ પ્રમાણે લખે છેઃ ‘‘અહીં નાના પ્રકારના
મિથ્યાદ્રષ્ટિઓનું કથન કર્યું છે તેનું પ્રયોજન એટલું જ જાણવું કે
એ પ્રકારોને ઓળખી પોતાનામાં
કોઈ એવો દોષ હોય તો તેને દૂર કરી સમ્યક્શ્રદ્ધાનયુક્ત થવું, પણ અન્યના એવા દોષ જોઈ કષાયી
ન થવું; કારણ કે પોતાનું ભલું-બૂરું તો પોતાના પરિણામોથી થાય છે; જો અન્યને રુચિવાન દેખે
તો કંઈક ઉપદેશ આપી તેનું પણ ભલું કરે.’’
શ્રીમાન્ પંડિતપ્રવર ટોડરમલજી દિગંબર જૈનધર્મના પ્રભાવક વિશિષ્ટ મહાપુરુષ હતા. તેમણે
માત્ર છ મહિનામાં સિદ્ધાન્તકૌમુદી જેવા કઠણ વ્યાકરણનો અભ્યાસ કર્યો હતો. પોતાની કુશાગ્રબુદ્ધિના
પ્રભાવથી તેમણે ષટ્દર્શનના ગ્રંથો, બૌદ્ધ, મુસ્લિમ તેમજ અન્ય અનેક મતમતાન્તરોના ગ્રંથોનું
અધ્યયન કર્યું હતું, શ્વેતામ્બર-સ્થાનકવાસીનાં સૂત્રો તથા ગ્રંથોનું પણ અવલોકન કર્યું હતું, તથા દિગંબર
જૈન ગ્રંથોમાં શ્રી સમયસાર, પંચાસ્તિકાયસંગ્રહ, પ્રવચનસાર, નિયમસાર, ગોમ્મટસાર, તત્ત્વાર્થસૂત્ર,
અષ્ટપાહુડ, આત્માનુશાસન, પદ્મનંદિપંચવિંશતિકા, શ્રાવકમુનિધર્મનાં પ્રરૂપક અનેક શાસ્ત્રો તથા કથા-
પુરાણાદિ ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. એ સર્વ શાસ્ત્રોના અભ્યાસથી તેમની બુદ્ધિ ઘણી જ
પ્રખર બની હતી. શાસ્ત્રસભા, વ્યાખ્યાનસભા અને વિવાદસભામાં તેઓ ઘણા જ પ્રસિદ્ધ હતા. આ
અસાધારણ પ્રભાવકપણાને લીધે તેઓ તત્કાલીન રાજાને પણ અતિશય પ્રિય થઈ પડ્યા હતા, અને
એ રાજપ્રિયતા તથા પાંડિત્યપ્રખરતાને કારણે અન્યધર્મીઓ તેમની સાથે મત્સરભાવ કરવા લાગ્યા
હતા, કારણ કે તેમની સામે તે અન્યધર્મીઓના મોટા મોટા વિદ્વાનો પણ પરાભવ પામતા હતા.
જોકે તેઓ પોતે કોઈ પણ વિધર્મીઓનો અનુપકાર કરતા નહોતા; પરંતુ બને ત્યાં સુધી તેમનો ઉપકાર
જ કર્યા કરતા હતા, તોપણ માત્સર્યયુક્ત મનુષ્યોનો મત્સરતાજન્ય કૃત્ય કરવાનો જ સ્વભાવ છે;
તેમના મત્સર અને વૈરભાવના કારણે જ પંડિતજીનો અકાળે દેહાન્ત થઈ ગયો હતો.
(૮)