થવું છે,’’ પણ એમ તો કદી પણ બની શકે નહિ. આ જીવ નિરર્થક જ ખેદ કરે છે. એ પ્રમાણે
મિથ્યાદર્શનથી મોક્ષતત્ત્વનું અયથાર્થ જ્ઞાન થતાં શ્રદ્ધાન પણ અયથાર્થ થાય છે. એવી રીતે આ
જીવ મિથ્યાદર્શનથી જીવાદિ સાતે પ્રયોજનભૂત તત્ત્વોનું અયથાર્થ શ્રદ્ધાન કરે છે.
✾ પુણ્ય – પાપ સંબંધાી અયથાર્થ શ્રદ્ધાન ✾
વળી પુણ્ય – પાપ છે તે તેનાં જ વિશેષ છે, એ પુણ્ય – પાપની એક જાતિ છે તોપણ
મિથ્યાદર્શનથી પુણ્યને ભલું તથા પાપને બૂરું જાણે છે. પુણ્યવડે પોતાની ઇચ્છાનુસાર કિંચિત્
કાર્ય બને તેને ભલું જાણે છે તથા પાપવડે ઇચ્છાનુસાર કાર્ય ન બને તેને બૂરું જાણે છે. હવે
એ બંને આકુળતાનાં જ કારણો હોવાથી બૂરાં જ છે. છતાં આ જીવ પોતાની માન્યતાથી જ
ત્યાં સુખ – દુઃખ માને છે. વાસ્તવિકપણે જ્યાં આકુળતા છે ત્યાં દુઃખ જ છે; માટે પુણ્ય – પાપના
ઉદયને ભલો – બૂરો જાણવો એ ભ્રમ જ છે. તથા કોઈ જીવ કદાચિત્ પુણ્ય – પાપના કારણરૂપ
શુભાશુભ ભાવોને ભલા – બૂરા જાણે છે તે પણ ભ્રમ છે, કારણ કે એ બંને કર્મબંધનાં જ
કારણો છે. એ પ્રમાણે પુણ્ય – પાપનું અયથાર્થ જ્ઞાન થતાં શ્રદ્ધાન પણ અયથાર્થ થાય છે. એ
રીતે અતત્ત્વશ્રદ્ધાનરૂપ મિથ્યાદર્શનનું સ્વરૂપ કહ્યું. તે અસત્યરૂપ છે; માટે તેનું જ નામ મિથ્યાત્વ
છે તથા સત્યશ્રદ્ધાનથી રહિત છે માટે તેનું જ નામ અદર્શન છે. હવે મિથ્યાજ્ઞાનનું સ્વરૂપ
કહીએ છીએ.
✾ મિથ્યાજ્ઞાનનું સ્વરુપ ✾
પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોને અયથાર્થ જાણવાં તેનું નામ મિથ્યાજ્ઞાન છે. એ વડે એ
તત્ત્વોને જાણવામાં સંશય, વિપર્યય અને અનધ્યવસાય થાય છે. ત્યાં ‘‘આ પ્રમાણે છે કે આ
પ્રમાણે છે’’ — એવું જે પરસ્પર વિરુદ્ધતા પૂર્વક બે પ્રકારરૂપ જ્ઞાન તેનું નામ સંશય છે. જેમ
‘‘હું આત્મા છું કે શરીર છું’’ એમ જાણવું તે સંશય. વસ્તુસ્વરૂપથી વિરુદ્ધતા પૂર્વક ‘‘આ આમ
જ છે,’’ એવું એકરૂપ જ્ઞાન તેનું નામ વિપર્યય છે. જેમ ‘‘હું શરીર છું’’ એમ જાણવું તે
વિપર્યય છે, તથા ‘‘કંઈક છે’’ એવો નિર્ધારરહિત વિચાર તેનું નામ અનધ્યવસાય છે. જેમ ‘‘હું
કોઈક છું’’ એમ જાણવું તે અનધ્યવસાય છે. એ પ્રમાણે પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોમાં સંશય,
વિપર્યય અને અનધ્યવસાય જે જાણવું થાય તેનું નામ મિથ્યાજ્ઞાન છે. પણ અપ્રયોજનભૂત
પદાર્થોને યથાર્થ જાણે અથવા અયથાર્થ જાણે તેની અપેક્ષાએ કાંઈ મિથ્યાજ્ઞાન – સમ્યગ્જ્ઞાન નથી.
જેમ મિથ્યાદ્રષ્ટિ દોરડીને દોરડી જાણે તેથી કાંઈ સમ્યગ્જ્ઞાન નામ પામે નહિ તથા સમ્યગ્દ્રષ્ટિ
દોરડીને સાપ જાણે તેથી કાંઈ તે મિથ્યાજ્ઞાન નામ પામે નહિ.
પ્રશ્નઃ — પ્રત્યક્ષ સાચા – જૂઠા જ્ઞાનને સમ્યગ્જ્ઞાન – મિથ્યાજ્ઞાન કેમ ન કહેવાય?
ઉત્તરઃ — જ્યાં જાણવાનું જ — સાચજૂઠ નિર્ધાર કરવાનું જ — પ્રયોજન હોય ત્યાં તો
૮૬ ][ મોક્ષમાર્ગપ્રકાશક