કોઈ પદાર્થોને તેના સાચા – જૂઠા જાણવાની અપેક્ષાએ જ સમ્યગ્જ્ઞાન – મિથ્યાજ્ઞાન નામ પામે છે.
જેમ પ્રત્યક્ષ – પરોક્ષ પ્રમાણના વર્ણનમાં કોઈ પદાર્થ હોય તેને સાચા જાણવારૂપે સમ્યગ્જ્ઞાન કહ્યું
છે તથા સંશયાદિરૂપ જાણવાપણાને અપ્રમાણરૂપ મિથ્યાજ્ઞાન કહ્યું છે. પણ અહીં તો સંસાર –
મોક્ષના કારણભૂત સત્ય – અસત્ય જાણવાનો નિર્ધાર કરવો છે, દોરડી – સર્પાદિકનું યથાર્થ વા
અન્યથા જ્ઞાન કાંઈ સંસાર – મોક્ષનું કારણ નથી, માટે એની અપેક્ષાએ અહીં મિથ્યાજ્ઞાન –
સમ્યગ્જ્ઞાન કહ્યું નથી, પણ પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોને જાણવાની અપેક્ષાએ જ મિથ્યાજ્ઞાન –
સમ્યગ્જ્ઞાન કહ્યું છે. અને એ જ અભિપ્રાયથી સિદ્ધાંતમાં મિથ્યાદ્રષ્ટિના સર્વ જાણવાને મિથ્યાજ્ઞાન
જ કહ્યું તથા સમ્યગ્દ્રષ્ટિના સર્વ જાણવાને સમ્યગ્જ્ઞાન કહ્યું.
પ્રશ્નઃ — મિથ્યાદ્રષ્ટિના જીવાદિ તત્ત્વોના અયથાર્થ જાણવાને મિથ્યાજ્ઞાન ભલે
કહો, પણ દોરડી – સર્પાદિકના યથાર્થ જાણવાને તો સમ્યગ્જ્ઞાન કહો?
ઉત્તરઃ — મિથ્યાદ્રષ્ટિ જાણે છે ત્યાં તેને સત્તા – અસત્તાનો વિશેષ (ભેદ) નથી, તેથી
તે કારણવિપરીતતા, સ્વરૂપવિપરીતતા વા ભેદાભેદવિપરીતતા ઉપજાવે છે. ત્યાં જેને તે જાણે
છે તેના મૂળ કારણને તો ન ઓળખે અને અન્યથા કારણ માને તે કારણવિપરીતતા છે, જેને
જાણે છે તેના મૂળ વસ્તુભૂત સ્વરૂપને તો ન ઓળખે અને અન્યથા સ્વરૂપ માને તે
સ્વરૂપવિપરીતતા છે, તથા જેને તે જાણે છે તેને ‘‘એ આનાથી ભિન્ન છે તથા એ આનાથી
અભિન્ન છે’’ એમ યથાર્થ ન ઓળખતાં અન્યથા ભિન્ન – અભિન્નપણું માને તે
ભેદાભેદવિપરીતતા છે. એ પ્રમાણે મિથ્યાદ્રષ્ટિના જાણવામાં વિપરીતતા હોય છે. જેમ દારૂનો
કેફી મનુષ્ય માતાને પોતાની સ્ત્રી માને તથા સ્ત્રીને માતા માને તેમ મિથ્યાદ્રષ્ટિમાં અન્યથા જાણવું
હોય છે. વળી જેમ કોઈ કાળમાં એ કેફી મનુષ્ય માતાને માતા વા સ્ત્રીને સ્ત્રી જાણે તોપણ
તેને નિશ્ચયરૂપ નિર્ધારવડે શ્રદ્ધાનપૂર્વક જાણવું ન હોવાથી તેને યથાર્થજ્ઞાન કહેતા નથી; તેમ
મિથ્યાદ્રષ્ટિ કોઈ કાળમાં કોઈ પદાર્થને સત્ય પણ જાણે તોપણ તેના નિશ્ચયરૂપ નિર્ધારથી શ્રદ્ધાન
સહિત જાણતો નથી તેથી તેને સમ્યગ્જ્ઞાન કહેતા નથી અથવા સત્ય જાણે છતાં એ વડે પોતાનું
અયથાર્થ જ પ્રયોજન સાધે છે તેથી તેને સમ્યગ્જ્ઞાન કહેતા નથી. એ પ્રમાણે મિથ્યાદ્રષ્ટિના જ્ઞાનને
મિથ્યાજ્ઞાન કહીએ છીએ.
પ્રશ્નઃ — એ મિથ્યાજ્ઞાનનું કારણ શું છે?
ઉત્તરઃ — મોહના ઉદયથી જે મિથ્યાત્વભાવ થાય છે – સમ્યગ્ભાવ નથી થતો એ જ
મિથ્યાજ્ઞાનનું કારણ છે. જેમ વિષના સંયોગથી ભોજનને પણ વિષરૂપ કહેવામાં આવે છે તેમ
મિથ્યાત્વના સંબંધથી જ્ઞાન પણ મિથ્યાજ્ઞાન નામ પામે છે.
પ્રશ્નઃ — અહીં જ્ઞાનાવરણનું નિમિત્ત તમે કેમ કહેતા નથી?
ઉત્તરઃ — જ્ઞાનાવરણના ઉદયથી તો જ્ઞાનના અભાવરૂપ અજ્ઞાનભાવ હોય છે તથા
ચોથો અધિકારઃ મિથ્યાદર્શન – જ્ઞાન – ચારિત્રનું વિશેષ નિરૂપણ ][ ૮૭