ઉત્તરઃ — છે તો એ જ પ્રમાણે, કારણ કે જાણ્યા વિના શ્રદ્ધાન કેવી રીતે થાય?
પરંતુ જ્ઞાનમાં મિથ્યા તથા સમ્યગ્ એવી સંજ્ઞા મિથ્યાદર્શન – સમ્યગ્દર્શનના નિમિત્તથી થાય છે.
જેમ મિથ્યાદ્રષ્ટિ વા સમ્યગ્દ્રષ્ટિ સુવર્ણાદિક પદાર્થોને જાણે છે તો સમાન, પરંતુ એ જ જાણપણું
મિથ્યાદ્રષ્ટિને મિથ્યાજ્ઞાન તથા સમ્યગ્દ્રષ્ટિને સમ્યગ્જ્ઞાન નામ પામે છે. એ જ પ્રમાણે સર્વ
મિથ્યાજ્ઞાન – સમ્યગ્જ્ઞાનનું કારણ મિથ્યાદર્શન – સમ્યગ્દર્શન જાણવું. તેથી જ્યાં સામાન્યપણે જ્ઞાન –
શ્રદ્ધાનું નિરૂપણ હોય ત્યાં જ્ઞાન કારણભૂત છે, માટે તેને પહેલાં કહેવું, તથા શ્રદ્ધાન કાર્યભૂત
છે માટે તેને પાછળ કહેવું; પણ જ્યાં મિથ્યા સમ્યગ્જ્ઞાન – શ્રદ્ધાનનું નિરૂપણ હોય ત્યાં તો શ્રદ્ધાન
કારણભૂત હોવાથી તેને પહેલાં કહેવું તથા જ્ઞાન કાર્યભૂત હોવાથી તેને પાછળ કહેવું.
પ્રશ્નઃ — જ્ઞાન – શ્રદ્ધાન તો યુગપત્ હોય છે, તો તેમાં કારણ – કાર્યપણું કેવી
રીતે કહો છો?
ઉત્તરઃ — ‘એ હોય તો એ હોય’ એ અપેક્ષાએ કારણ – કાર્યપણું હોય છે. જેમ દીપક
અને પ્રકાશ એ બંને યુગપત્ હોય છે, તોપણ દીપક હોય તો પ્રકાશ હોય, તેથી દીપક કારણ
છે અને પ્રકાશ કાર્ય છે. એ જ પ્રમાણે જ્ઞાન – શ્રદ્ધાનને પણ છે અથવા મિથ્યાદર્શન – મિથ્યાજ્ઞાનને
તથા સમ્યગ્દર્શન – સમ્યગ્જ્ઞાનને કારણ – કાર્યપણું જાણવું.
પ્રશ્નઃ — જો મિથ્યાદર્શનના સંયોગથી જ જ્ઞાન મિથ્યાજ્ઞાન નામ પામે છે તો એક
મિથ્યાદર્શનને જ સંસારનું કારણ કહેવું જોઈએ, પણ અહીં મિથ્યાજ્ઞાન જુદું શા માટે કહ્યું?
ઉત્તરઃ — જ્ઞાનની જ અપેક્ષાએ તો મિથ્યાદ્રષ્ટિ વા સમ્યગ્દ્રષ્ટિને ક્ષયોપશમથી થયેલા
યથાર્થ જ્ઞાનમાં કાંઈ વિશેષ નથી તથા તે જ્ઞાન કેવળજ્ઞાનમાં પણ જઈ મળે છે, જેમ નદી
સમુદ્રમાં જઈ મળે છે; તેથી જ્ઞાનમાં કાંઈ દોષ નથી, પરંતુ ક્ષયોપશમ જ્ઞાન જ્યાં લાગે ત્યાં
એક જ્ઞેયમાં લાગે. હવે આ મિથ્યાદર્શનના નિમિત્તથી તે જ્ઞાન અન્ય જ્ઞેયોમાં તો લાગે પણ
પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોનો યથાર્થ નિર્ણય કરવામાં ન લાગે એ જ જ્ઞાનમાં દોષ થયો, અને
તેને જ મિથ્યાજ્ઞાન કહ્યું. તથા જીવાદિ તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન ન થાય તે આ શ્રદ્ધાનમાં દોષ
થયો તેથી તેને મિથ્યાદર્શન કહ્યું. એ પ્રમાણે લક્ષણભેદથી મિથ્યાદર્શન – મિથ્યાજ્ઞાન જુદાં કહ્યાં
છે. એ પ્રમાણે મિથ્યાજ્ઞાનનું સ્વરૂપ કહ્યું. તેને તત્ત્વજ્ઞાનના અભાવથી અજ્ઞાન કહીએ છીએ
તથા પોતાનું પ્રયોજન સાધતું નથી માટે તેને જ કુજ્ઞાન પણ કહીએ છીએ. હવે મિથ્યાચારિત્રનું
સ્વરૂપ કહે છે.
✾ મિથ્યાચારિત્રનું સ્વરુપ ✾
ચારિત્રમોહના ઉદયથી કષાયભાવ થાય છે, તેનું નામ મિથ્યાચારિત્ર છે. અહીં પોતાની
સ્વભાવરૂપ પ્રવૃત્તિ નથી. (‘‘આ સુખી છે.’’) એવી જૂઠી પરસ્વભાવરૂપ પ્રવૃત્તિ કરવા ઇચ્છે
ચોથો અધિકારઃ મિથ્યાદર્શન – જ્ઞાન – ચારિત્રનું વિશેષ નિરૂપણ ][ ૮૯