વિષ્ટા ઇષ્ટરૂપ લાગે છે ત્યારે દેવાદિકને અનિષ્ટરૂપ લાગે છે. તથા મેઘની વૃષ્ટિ કોઈને ઇષ્ટ
લાગે છે ત્યારે કોઈને અનિષ્ટ લાગે છે. એમ અન્ય પણ જાણવું. વળી એ જ પ્રમાણે એક
જીવને પણ એક જ પદાર્થ કોઈ કાળમાં ઇષ્ટ લાગે છે ત્યારે કોઈ કાળમાં અનિષ્ટ લાગે છે.
તથા આ જીવ જેને મુખ્યપણે ઇષ્ટરૂપ માને છે તે પણ અનિષ્ટ થતું જોવામાં આવે છે. જેમ
શરીર ઇષ્ટ છે પણ રોગાદિસહિત થતાં અનિષ્ટ થઈ જાય છે; તથા પુત્રાદિક ઇષ્ટ છે પણ
કારણ મળતાં અનિષ્ટ થતાં જોઈએ છીએ. ઇત્યાદિ અન્ય પણ જાણવું. વળી મુખ્યપણે આ
જીવ જેને અનિષ્ટ માને છે તે પણ ઇષ્ટ થતું જોઈએ છીએ. જેમ કોઈની ગાળ અનિષ્ટ લાગે
છે પણ તે સાસરામાં ઇષ્ટ લાગે છે. — ઇત્યાદિ સમજવું. એ પ્રમાણે પદાર્થોમાં તો ઇષ્ટ –
અનિષ્ટપણું છે નહીં. જો પદાર્થોમાં ઇષ્ટ – અનિષ્ટપણું હોય તો જે પદાર્થ ઇષ્ટ હોય તે સર્વને
ઇષ્ટ જ થાય તથા જે અનિષ્ટ હોય તે અનિષ્ટ જ થાય; પણ એમ તો થતું નથી. માત્ર આ
જીવ પોતે જ કલ્પના કરી તેને ઇષ્ટ – અનિષ્ટ માને છે, પણ એ કલ્પના જૂઠી છે.
વળી એ પદાર્થો સુખદાયક – ઉપકારી યા દુઃખદાયક – અનુપકારી થાય છે તે કાંઈ
પોતાની મેળે થતા નથી. પણ પુણ્ય – પાપના ઉદયાનુસાર થાય છે. જેને પુણ્યનો ઉદય થાય
છે તેને પદાર્થનો સંયોગ સુખદાયક – ઉપકારી થાય છે તથા જેને પાપનો ઉદય થાય છે તેને
પદાર્થનો સંયોગ દુઃખદાયક – અનુપકારી થાય છે, એ પ્રત્યક્ષ જોઈએ છીએ. કોઈને સ્ત્રી – પુત્રાદિક
સુખદાયક છે ત્યારે કોઈને દુઃખદાયક છે. વ્યાપાર કરતાં કોઈને નફો થાય છે ત્યારે કોઈને
નુકશાન થાય છે. કોઈને સ્ત્રી – પુત્ર પણ અહિતકારી થાય છે ત્યારે કોઈને શત્રુ પણ નોકર
બની જાય છે. તેથી સમજાય છે કે પદાર્થ પોતાની મેળે ઇષ્ટ – અનિષ્ટ હોતા નથી પણ કર્મોદય
અનુસાર પ્રવર્તે છે. જેમ કોઈનો નોકર પોતાના સ્વામીની ઇચ્છાનુસાર કોઈ પુરુષને ઇષ્ટ –
અનિષ્ટ ઉપજાવે તો એ કાંઈ નોકરનું કર્તવ્ય નથી પણ તેના સ્વામીનું કર્તવ્ય છે, છતાં એ
પુરુષ પેલા નોકરને જ ઇષ્ટ – અનિષ્ટ માને તો એ જૂઠ છે. તેમ કર્મોદયથી પ્રાપ્ત થયેલા પદાર્થો
કર્માનુસાર જીવને ઇષ્ટ – અનિષ્ટ ઉપજાવે ત્યાં એ કાંઈ પદાર્થોનું તો કર્તવ્ય નથી પણ કર્મનું
કર્તવ્ય છે, છતાં આ જીવ પદાર્થોને જ ઇષ્ટ – અનિષ્ટ માને એ જૂઠ છે. તેથી આ વાત સિદ્ધ
થાય છે કે એ પદાર્થોમાં ઇષ્ટ – અનિષ્ટ માની રાગ – દ્વેષ કરવો મિથ્યા છે.
પ્રશ્નઃ — બાહ્ય વસ્તુઓનો સંયોગ કર્મના નિમિત્તથી થાય છે, તો એ કર્મોમાં
તો રાગ – દ્વેષ કરવો?
ઉત્તરઃ — કર્મ તો જડ છે, તેમને કાંઈ સુખ – દુઃખ આપવાની ઇચ્છા નથી. વળી તે
સ્વયમેવ તો કર્મરૂપ પરિણમતાં નથી, પણ જીવભાવના નિમિત્તથી કર્મરૂપ થાય છે. જેમ કોઈ
પોતાના હાથમાં મોટો પથ્થર લઈ પોતાનું માથું ફોડે તો તેમાં પથ્થરનો શો દોષ? તેમ જ
આ જીવ પોતાના રાગાદિક ભાવોવડે પુદ્ગલને કર્મરૂપ પરિણમાવી પોતાનું બૂરું કરે ત્યાં કર્મનો
શો દોષ? માટે એ કર્મોથી પણ રાગ – દ્વેષ કરવો મિથ્યાત્વ છે.
ચોથો અધિકારઃ મિથ્યાદર્શન – જ્ઞાન – ચારિત્રનું વિશેષ નિરૂપણ ][ ૯૧