એ પ્રમાણે પરદ્રવ્યોને ઇષ્ટ – અનિષ્ટ માની રાગ – દ્વેષ કરવો મિથ્યા છે. જો પરદ્રવ્ય
ઇષ્ટ – અનિષ્ટ હોત અને ત્યાં આ જીવ રાગ – દ્વેષ કરતો હોય તો મિથ્યા નામ ન પામત, પણ
તે તો ઇષ્ટ – અનિષ્ટ નથી અને આ જીવ તેને ઇષ્ટ – અનિષ્ટ માની રાગ – દ્વેષ કરે છે તેથી એ
પરિણામોને મિથ્યા કહ્યા છે. મિથ્યારૂપ જે પરિણમન તેનું નામ મિથ્યાચારિત્ર છે.
✾ રાગ – દ્વેષનું વિધાાન તથા વિસ્તાર ✾
પ્રથમ તો આ જીવને પર્યાયમાં અહંબુદ્ધિ છે તેથી તે પોતાને અને શરીરને એક જાણી
પ્રવર્તે છે. આ શરીરમાં પોતાને રુચે એવી ઇષ્ટ અવસ્થા થાય છે તેમાં રાગ કરે છે તથા પોતાને
અણરુચતી એવી અનિષ્ટ અવસ્થા થાય છે તેમાં દ્વેષ કરે છે. શરીરની ઇષ્ટ અવસ્થાના કારણભૂત
બાહ્ય પદાર્થોમાં રાગ કરે છે તથા તેના ઘાતક પદાર્થોમાં દ્વેષ કરે છે. શરીરની અનિષ્ટ અવસ્થાના
કારણભૂત બાહ્ય પદાર્થોથી દ્વેષ કરે છે તથા તેના ઘાતક પદાર્થોમાં રાગ કરે છે. તેમાં પણ જે
બાહ્ય પદાર્થોમાં રાગ કરે છે તેના કારણભૂત અન્ય પદાર્થોમાં રાગ કરે છે તથા તેના ઘાતક
પદાર્થોમાં દ્વેષ કરે છે. વળી જે બાહ્ય પદાર્થોથી દ્વેષ કરે છે તેના કારણભૂત અન્ય પદાર્થોમાં
દ્વેષ કરે છે તથા તેના ઘાતક પદાર્થોમાં રાગ કરે છે. તેમાં પણ જેનાથી રાગ છે તેના કારણ
વા ઘાતક અન્ય પદાર્થોમાં રાગ વા દ્વેષ કરે છે તથા જેનાથી દ્વેષ છે તેના કારણ વા ઘાતક
અન્ય પદાર્થોમાં દ્વેષ વા રાગ કરે છે. એ જ પ્રમાણે રાગ – દ્વેષની પરંપરા પ્રવર્તે છે. વળી કોઈ
બાહ્યપદાર્થ શરીરની અવસ્થાને કારણ નથી છતાં તેમાં પણ તે રાગદ્વેષ કરે છે. જેમ ગાય આદિને
પુત્રાદિકથી શરીરનું કાંઈ ઇષ્ટ થતું નથી તોપણ તેમાં તે રાગ કરે છે, તથા શ્વાનાદિકને બિલાડી
આદિ આવતાં શરીરનું કાંઈ અનિષ્ટ થતું નથી તોપણ તેમાં તે દ્વેષ કરે છે. કોઈ વર્ણ – ગંધ –
શબ્દાદિના અવલોકનાદિથી શરીરનું કાંઈ ઇષ્ટ થતું નથી તોપણ તેમાં રાગ કરે છે, તથા કોઈ
વર્ણાદિકના અવલોકનાદિથી શરીરનું કાંઈ અનિષ્ટ થતું નથી તોપણ તેમાં દ્વેષ કરે છે, એ પ્રમાણે
ભિન્ન – ભિન્ન બાહ્ય પદાર્થોમાં રાગ – દ્વેષ કરે છે. વળી તેમાં પણ જેનાથી રાગ કરે છે તેના કારણ
વા ઘાતક અન્ય પદાર્થોમાં રાગ વા દ્વેષ કરે છે તથા જેનાથી દ્વેષ કરે છે તેના કારણ વા ઘાતક
અન્ય પદાર્થોમાં દ્વેષ વા રાગ કરે છે. એ પ્રમાણે ત્યાં પણ રાગ – દ્વેષની જ પરંપરા પ્રવર્તે છે.
પ્રશ્નઃ — અન્ય પદાર્થોમાં તો રાગદ્વેષ કરવાનું પ્રયોજન જાણ્યું, પરંતુ પ્રથમ
મૂળભૂત શરીરની અવસ્થામાં વા શરીરની અવસ્થાને કારણરૂપ નથી એવા પદાર્થોમાં
ઇષ્ટ – અનિષ્ટપણું માનવાનું શું પ્રયોજન છે?
ઉત્તરઃ — પ્રથમ મૂળભૂત શરીરની અવસ્થાદિક છે તેમાં પણ જો પ્રયોજન વિચારી
રાગ – દ્વેષ કરે તો મિથ્યાચારિત્ર નામ શા માટે પામે? પરંતુ તેમાં પ્રયોજન વિના જ રાગદ્વેષ
કરે છે, તથા તેના અર્થે અન્યની સાથે પણ રાગ – દ્વેષ કરે છે, તેથી સર્વ રાગ – દ્વેષ પરિણતિનું
નામ મિથ્યાચારિત્ર કહ્યું છે.
૯૨ ][ મોક્ષમાર્ગપ્રકાશક