લોભ માટે રાજા વગેરેને ભ્રમમાં નાખે છે. પણ કોઈ વિષથી જીવનવૃદ્ધિ થવી કહે એ જેમ
પ્રત્યક્ષવિરુદ્ધ છે તેમ હિંસા કરતાં ધર્મ અને કાર્યસિદ્ધિ થવી કહેવી એ પ્રત્યક્ષવિરુદ્ધ છે, પરંતુ
તેમણે જેમની હિંસા કરવી કહી, તેમની તો કાંઈ શક્તિ નથી અને તેમની કોઈને કાંઈ પીડા
પણ નથી. જો કોઈ શક્તિવાનનો કે ઇષ્ટનો હોમ કરવો ઠરાવ્યો હોત તો ઠીક પડત, પણ
પાપનો ભય નથી તેથી તેઓ પોતાના લોભ માટે દુર્બળના ઘાતક બની પોતાનું વા અન્યનું
બૂરું કરવામાં તત્પર થયા છે.
✾ નિર્ગુણ અને સગુણ ભકિતની મીમાંસા ✾
તેઓ ભક્તિયોગ અને જ્ઞાનયોગ એમ બે પ્રકાર વડે મોક્ષમાર્ગ પ્રરૂપણ કરે છે.
✾ ભકિતયોગ મીમાંસા –
તેમાં પ્રથમ ભક્તિયોગવડે મોક્ષમાર્ગ તેઓ કહે છે, તેનું સ્વરૂપ અહીં કહીએ છીએ —
નિર્ગુણ અને સગુણ ભેદરૂપ બે પ્રકારની ભક્તિઓ તેઓ કહે છે. અદ્વૈત પરબ્રહ્મની
ભક્તિ કરવી તે નિર્ગુણભક્તિ છે. તે આ પ્રમાણે કહે છેઃ — ‘‘તમે નિરાકાર છો, નિરંજન
છો, મન – વચનથી અગોચર છો, અપાર છો, સર્વવ્યાપી છો, એક છો, સર્વના પ્રતિપાલક છો,
અધમઉદ્ધારક છો અને સર્વના કર્તા – હર્તા છો.’’ ઇત્યાદિ વિશેષણોવડે ગુણ ગાય છે. હવે તેમાં
નિરાકારાદિ કોઈ વિશેષણો તો અભાવરૂપ છે, તેને સર્વથારૂપ માનવાથી અભાવ જ ભાસે.
કારણ કે – વસ્તુ વિના આકારાદિ કેવી રીતે ભાસે? તથા સર્વવ્યાપી આદિ કેટલાંક વિશેષણો
અસંભવરૂપ છે, તેનું અસંભવણું પહેલાં દર્શાવ્યું છે.
વળી એમ કહે છે કે — ‘‘જીવબુદ્ધિવડે હું તારો દાસ છું, શાસ્ત્રદ્રષ્ટિવડે તારો અંશ છું
તથા તત્ત્વબુદ્ધિવડે તું જ હું છું? પણ એ ત્રણે ભ્રમ છે. વળી એ ભક્તિ કરવાવાળો ચેતન
છે કે જડ? જો ચેતન છે તો એ ચેતના બ્રહ્મની છે કે તેની જ છે? જો બ્રહ્મની છે તો
‘‘હું તારો દાસ છું’’ એમ માનવું ચેતનાને જ થાય છે. હવે ચેતના તો બ્રહ્મનો સ્વભાવ ઠર્યો
તથા સ્વભાવ – સ્વભાવીને તાદાત્મ્ય સંબંધ છે, તો ત્યાં દાસ અને સ્વામીનો સંબંધ કેમ બને?
દાસ – સ્વામી સંબંધ તો બે ભિન્ન પદાર્થો હોય ત્યાં જ બને. તથા જો એ ચેતના તેની જ
છે તો તે પોતાની ચેતનાનો ધણી બ્રહ્મથી જુદો પદાર્થ ઠર્યો. તો પછી ‘‘હું અંશ છું, અથવા
તું છે તે હું છું,’’ — એમ કહેવું જૂઠ થયું. વળી ભક્તિ કરવાવાળો જડ છે, તો જડને બુદ્ધિનું
હોવું અસંભવિત છે, તો તેને એવી બુદ્ધિ ક્યાંથી થઈ કે – ‘‘હું દાસ છું’’ એમ કહેવું તો ત્યારે
જ બને કે – જ્યારે બંને પદાર્થ જુદા હોય. તથા ‘‘તારો હું અંશ છું’’ એમ કહેવું પણ બનતું
નથી. કારણ કે – ‘તું’ અને ‘હું’ એમ કહેવું તો ત્યારે જ બને કે – જ્યારે પોતે અને તે જુદા
જ હોય. પણ અંશ – અંશી જુદા કેવી રીતે હોય? કારણ કે – અંશી એ કોઈ જુદી વસ્તુ નથી
પણ અંશોનો સમુદાય તે જ અંશી છે. વળી ‘‘તું છે તે હું છું’’ — એવું વચન જ વિરુદ્ધ છે.
૧૧૬ ][ મોક્ષમાર્ગપ્રકાશક