તમે કહેશો કે — ‘‘એ કામ – ક્રોધાદિક તો મનના ધર્મ છે, બ્રહ્મ તો ન્યારો છે.’’ તો
તેને પૂછીએ છીએ કે – મન છે તે તારું સ્વરૂપ છે કે નહિ? જો છે તો એ કામ – ક્રોધાદિ પણ
તારા જ થયા, તથા નથી તો અમે પૂછીએ છીએ કે – તું જ્ઞાનસ્વરૂપ છે કે જડ છે? જો
જ્ઞાનસ્વરૂપ છે, તો તને જ્ઞાન તો મન વા ઇન્દ્રિય દ્વારા જ થતું દેખાય છે, એના વિના કોઈ
જ્ઞાન બતાવે તો તેને જુદું તારું સ્વરૂપ માનીએ. પણ એ ભાસતું નથી વળી ‘मनज्ञाने’ ધાતુથી
‘મન’ શબ્દ ઉત્પન્ન થાય છે. હવે મન તો જ્ઞાનસ્વરૂપ છે, તો એ જ્ઞાન કોનું છે તે બતાવ?
પણ જુદું તો કોઈ ભાસતું નથી, વળી જો તું જડ છે તો જ્ઞાન વિના પોતાના સ્વરૂપનો વિચાર
કેવી રીતે કરે છે? એમ તો બને નહિ. તું કહે છે કે – ‘‘બ્રહ્મ ન્યારો છે.’’ પણ એ ન્યારો
બ્રહ્મ તું જ છે કે કોઈ બીજો? જો તું જ છે તો તારામાં ‘‘હું બ્રહ્મ છું’’ એવું માનવાવાળું
જ્ઞાન છે તે તો મનસ્વરૂપ જ છે, મનથી જુદું નથી. હવે પોતાપણું માનવું તો પોતાનામાં જ
હોય, પણ જેને જુદું જાણે તેમાં પોતાપણું માન્યું જાય નહિ. તથા જો બ્રહ્મ મનથી જુદો છે
તો મનરૂપ જ્ઞાન એ બ્રહ્મમાં પોતાપણું શા માટે માને છે? તથા જો બ્રહ્મ કોઈ બીજો જ છે
તો તું એ બ્રહ્મમાં પોતાપણું શા માટે માને છે? માટે ભ્રમ છોડી એમ માન કે – જેમ સ્પર્શનાદિ
ઇન્દ્રિયો તો શરીરનું સ્વરૂપ છે – જડ છે, પણ એ દ્વારા જે જાણપણું થાય છે તે આત્માનું સ્વરૂપ
છે. તેમ મન પણ સૂક્ષ્મ પુદ્ગલપરમાણુઓનો પુંજ છે, અને તે શરીરનું જ અંગ છે, તે દ્વારા
જાણપણું થાય છે, વા કામ – ક્રોધાદિભાવ થાય છે તે સર્વ આત્માનું સ્વરૂપ છે.
વિશેષતા એટલી છે કે — જાણપણું તો નિજ સ્વભાવ છે તથા કામ – ક્રોધાદિક ઉપાધિક
ભાવ છે, તેનાથી આત્મા અશુદ્ધ છે. જ્યારે અવસર પામીને કામ – ક્રોધાદિક મટશે તથા
જાણપણાને મન – ઇન્દ્રિયોનું આધીનપણું મટશે ત્યારે કેવળજ્ઞાનસ્વરૂપ આત્મા શુદ્ધ થશે.
એ જ પ્રમાણે બુદ્ધિ – અહંકારાદિ પણ જાણી લેવાં. કારણ કે – મન અને બુદ્ધિ આદિ
એકાર્થ જ છે, તથા અહંકારાદિ છે તે કામ – ક્રોધાદિવત્ ઉપાધિકભાવ છે, તેને પોતાનાથી ભિન્ન
જાણવા એ ભ્રમ છે. પણ તે પોતાને છે એમ જાણી એ ઉપાધિકભાવોનો અભાવ કરવાનો
ઉદ્યમ કરવો યોગ્ય છે. પણ જેનાથી તેનો અભાવ ન થઈ શકે અને પોતાની મહંતતા ઇચ્છે,
તે જીવ એ ભાવો પોતાના નથી એમ ઠરાવી સ્વચ્છંદે પ્રવર્તે છે, અને કામ – ક્રોધાદિક ભાવોને
વધારી વિષયસામગ્રીમાં વા હિંસાદિ કાર્યોમાં તત્પર થાય છે.
વળી અહંકારાદિના ત્યાગને પણ તે અન્યથા માને છે. સર્વને પરબ્રહ્મ માનવું, કોઈ
ઠેકાણે પોતાપણું ન માનવું તેને તે અહંકારનો ત્યાગ બતાવે છે, પણ તે મિથ્યા છે. કારણ કે –
કોઈ પોતે છે કે નહિ? જો છે તો પોતામાં પોતાપણું કેમ ન માનીએ? તથા પોતે નથી તો
સર્વને બ્રહ્મ કોણ માને છે? માટે શરીરાદિ પરમાં અહંબુદ્ધિ ન કરવી, ત્યાં કર્તારૂપ ન થવું
એ અહંકારનો ત્યાગ છે. પોતાનામાં અહંબુદ્ધિ કરવામાં દોષ નથી.
વળી સર્વને સમાન જાણવા, તથા કોઈમાં ભેદ ન કરવો, તેને તે રાગ – દ્વેષનો ત્યાગ બતાવે
૧૨૦ ][ મોક્ષમાર્ગપ્રકાશક