જોઈએ છીએ, તે કેવી રીતે હોય છે? તથા પૂર્વપર્યાયના ગુપ્ત સમાચાર પ્રગટ કરે છે, એ
જાણવું કોની સાથે ગયું? જેની સાથે એ જાણવું ગયું, તે જ આત્મા છે.
વળી ચાર્વાક મતમાં ખાન – પાન, ભોગ – વિલાસ ઇત્યાદિ સ્વચ્છંદ વૃત્તિનો ઉપદેશ છે.
હવે એ પ્રમાણે તો જગત પોતાની મેળે જ પ્રવર્તે છે. તો ત્યાં શાસ્ત્રાદિ બનાવી શું ભલું થવાનો
ઉપદેશ આપ્યો? તું કહીશ કે – ‘‘તપશ્ચરણ, શીલ, સંયમાદિ છોડાવવા માટે એ ઉપદેશ આપ્યો
છે.’’ પણ એ કાર્યોથી તો કષાય ઘટવાથી આકુળતા ઘટે છે, અને તેથી અહીં જ સુખી થવું
થાય છે — યશ આદિ થાય છે. તું એને છોડાવી શું ભલું કરે છે? માત્ર વિષયાસક્ત જીવોને
ગમતી વાતો કહી. પોતાનું વા બીજાઓનું બૂરું કરવાનો તને ભય નથી, તેથી સ્વચ્છંદી બની
વિષયસેવન માટે આવી જૂઠી યુક્તિ બતાવે છે.
એ પ્રમાણે ચાર્વાક મતનું નિરૂપણ કર્યું.
✾ અન્યમત નિરાકરણ ઉપસંહાર ✾
એ જ પ્રકારે અન્ય અનેક મતો વિષયાસક્ત — પાપઅભીરુ જીવોએ જૂઠી યુક્તિ બનાવી
પ્રગટ કર્યા છે, તેના શ્રદ્ધાનાદિથી જીવોનું બૂરું થાય છે. એક જૈનમત છે, તે જ સત્ય અર્થનો
પ્રરૂપક છે. શ્રીસર્વજ્ઞવીતરાગદેવ દ્વારા ભાષિત છે, તેના શ્રદ્ધાનાદિ વડે જ જીવોનું ભલું થાય છે.
જૈનમતમાં જીવાદિતત્ત્વ નિરૂપણ કર્યાં છે, પ્રત્યક્ષ – પરોક્ષ બે પ્રમાણ કહ્યાં છે,
સર્વજ્ઞવીતરાગઅર્હંત દેવ છે; બાહ્યાભ્યંતરપરિગ્રહરહિત નિર્ગ્રંથ ગુરુ છે. એ સર્વનું વર્ણન આ
ગ્રંથમાં આગળ વિશેષતાથી લખીશું, ત્યાંથી જાણવું.
પ્રશ્નઃ — તમને રાગ – દ્વેષ છે, તેથી તમે અન્ય મતોનો નિષેધ કરી પોતાના મતને
સ્થાપન કરો છો?
ઉત્તરઃ — વસ્તુના યથાર્થ પ્રરૂપણ કરવામાં રાગ – દ્વેષ નથી, પણ કોઈ પોતાનું પ્રયોજન
વિચારી અન્યથા પ્રરૂપણ કરીએ તો રાગ – દ્વેષ નામ પામે.
પ્રશ્નઃ — જો રાગ – દ્વેષ નથી, તો અન્ય મત બૂરા અને જૈનમત ભલો, એમ કેવી
રીતે કહો છો? જો સામ્યભાવ હોય તો સર્વને સમાન જાણો, મતપક્ષ શા માટે કરો છો?
ઉત્તરઃ — બૂરાને બૂરો કહીએ તથા ભલાને ભલો કહીએ, એમાં રાગ – દ્વેષ શો કર્યો?
બૂરા – ભલાને સમાન જાણવા, એ તો અજ્ઞાનભાવ છે, પણ કાંઈ સામ્યભાવ નથી.
પ્રશ્નઃ — સર્વ મતોનું પ્રયોજન તો એક જ છે, માટે સર્વને સમાન જાણવા?
ઉત્તરઃ — પ્રયોજન જો એક જ હોય, તો જુદાજુદા મત શા માટે કહો છો? એક મતમાં
૧૩૬ ][ મોક્ષમાર્ગપ્રકાશક